Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 11 માછીમારો છેલ્લા 48 કલાકથી લાપતા છે. જેમને શોધવા માટે સરકારી તંત્રએ કમર કસી છે. માછીમારોની શોધખોળ માટે પીપાવાવ પોર્ટથી કોસ્ટ ગાર્ડનું એક જહાજ મધદરિયે રવાના થયું છે. ત્યારે વધુ 8 ખલાસીઓ સંપર્ક વિહોણા થતા માછીમારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખરાબ હવામાનને પગલે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધીમાં જાફરાબાદની કુલ 4 બોટના 19 ખલાસીઓ સંપર્ક વિહોણા થયા છે.
11 જેટલા માછીમારોની બોટ સાથે સંપર્ક તૂટી ગયો હતો
ગયા રવિવારે માછીમારી કરવા ગયેલા 11 જેટલા માછીમારોની બોટ સાથે સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે તેમના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડનું જહાજ અત્યારે દરિયાની પ્રતિકૂળ પરિસ્થિતિ અને પાણીની તેજ લહેરો વચ્ચે પણ માછીમારોની શોધખોળ કરી રહ્યું છે. સ્થાનિક માછીમાર સંગઠનો પણ આ કાર્યમાં મદદ કરી રહ્યા છે અને તંત્ર સાથે સતત સંપર્કમાં છે.
લાપતા અને સંપર્ક વિહોણા માછીમારોને લઇને ચિંતા વધી
માછીમાર અગ્રણી કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે શિયાળબેટની લક્ષ્મીપ્રસાદ અને ધન્વંતરી નામની બે બોટ સંપર્ક વિહોણી થઇ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આશરે 70 જેટલી બોટ જાફરાબાદ બંદર પર પરત ફરી છે. એક બોટ દરિયામાં નજરે પડતા, અન્ય 6 બોટ દ્વારા તેને કિનારે ખેંચી લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લાપતા અને સંપર્ક વિહોણા ખલાસીઓને લઈને માછીમારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.