Bhuj News: ભુજમાં હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. જેમાં એક 19 વર્ષીય કોલેજિયન યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ પાસે બની હતી. મૃતક વિદ્યાર્થિની સાક્ષી ખાનિયા મૂળ ગાંધીધામની હતી અને કોલેજથી છૂટ્યા બાદ હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો. આ હુમલામાં 22 વર્ષીય જયેશ ઠાકોર નામનો એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.
બચાવવા વચ્ચે પડેલો યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ઘટના ગુરુવારે સાંજે ભુજના ભાગોળ વિસ્તારમાં આવેલા સંસ્કાર કોલેજના ગેટ બહાર બની હતી. બે અજાણ્યા બાઇક સવારોએ સાક્ષી પર છરી વડે હુમલો કર્યો હતો, જેનાથી તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જયેશ ઠાકોર તેને બચાવવા વચ્ચે પડતાં તેને પણ પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન સાક્ષીનું મૃત્યુ થયું હતું. જયેશની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
આ હત્યાની જાણ થતાં જ પોલીસની જુદી જુદી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં કલમ 302 હેઠળ ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. હુમલાનું કારણ અને હુમલાખોરોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. આ ઘટનાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.