મનન વાયા, અમદાવાદ.
Lakiro Movie Review. ગુજરાતી જાગરણ રેટિંગ: 3.5 સ્ટાર
ફિલ્મ લકીરો (Lakiro)ની વાર્તા આજની જનરેશન સાથે કનેક્ટ કરે તેવી છે. રિચા (Deeksha Joshi) અને રિશી (Raunaq Kamdar) પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. જો કે, જેવું રીયલ લાઈફમાં થતું હોય છે, તેવું રિઅલાઇઝેશન બંને લગ્ન પછી થાય છે કે, જે વસ્તુને રિચા મસ્તીમાં લેતી હતી તે અસલમાં રિશીનો મૂળભત સ્વભાવ છે. બધું ત્યાં સુધી નોર્મલ રહે છે, જ્યાં સુધી રિચા કામ કરવાનું શરૂ નથી કરતી. જેવી તે લગ્ન બાદ પ્રોફેશનલ જર્ની શરૂ કરે છે, બંનેના સંબંધમાં ખટાશ આવે છે.
આ ખટાશ એ હદ સુધી આગળ વધે છે કે બંને ડિવોર્સ ફાઈલ કરવાનું નક્કી કરે છે. પરંતુ તે બાદ શું થાય છે તે જાણવા અને ફીલ કરવા માટે ડિરેક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)ની પિક્ચર જોવી પડે.
પિક્ચરમાં પ્રેમનો એ લેયર બતાવવામાં આવ્યો છે, જેના લીધે આજે મોટાભાગના કપલ્સ જુદા પડતા હોય છે. એક સેલ્ફ ઓબ્સેસ્ડ છોકરા સાથે રહેવું અઘરું છે, કારણકે પ્રેમમાં જેલસી અને પઝેસિવનેસ સૌથી પહેલા આવે છે. જ્યારે તમારું પાર્ટનર તમને સમય ન આપી શકે, ત્યારે જે ડિસ્ટન્સ આવે છે, તેને ફીલ કરાવી જાય છે ફિલ્મ લકીરો. વગર કારણે થતી ઈર્ષા અને ટ્રસ્ટ ઈસ્યૂઝ રાખનારને અરીસો બતાવી જાય છે ફિલ્મ લકીરો. દીક્ષાએ રિચાના કેરેક્ટરને નેચરલી પ્લે કર્યો છે અને પોતાનું ફ્રસ્ટ્રેશન સરસ રીતે સ્ક્રીન પર છલકાવ્યું છે, જ્યારે રોનક પણ રિશીના પાત્ર થકી ઊંડી છાપ છોડવામાં સફળ થાય છે.
સાઇડ કેરેક્ટર્સે પણ રંગ રાખ્યો
ફિલ્મમાં રિચાની બેસ્ટ ફ્રેન્ડ તરીકે સૌમ્યાનું પાત્ર ભજવનાર નેત્રી ત્રિવેદી એક અલગ જ ફ્રેશનેસ લઈને આવે છે. નોસ રિંગમાં તેનો લુક ઘણો જ સેક્સી છે, જે ફરીથી રાજ્યમાં એક ટ્રેન્ડ સેટર બની શકે છે. જ્યારે રિચાના બોસ તરીકે નિખિલ (વિશાલ શાહ)એ પણ ખુબ જ મેચ્યોરિટી સાથે અભિનય કર્યો છે. તો શંકર કાકાના રોલમાં હિતેશ ઠક્કર દર્શકોને હસવામાં સફળ રહ્યા છે. નાની ભૂમિકામાં ધર્મેશ રાવલ પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ જાય છે. ખાસ કરીને તેમનો વાઈફ સાથેના રિલેશનને એક ટાસ્ક તરીકે લેવાનો ડાયલોગ સરસ રીતે લખાયો છે.
ગુજરાતી સિનેમાને એક ડગલું આગળ લઈ જશે પિક્ચર
ખાલી બોલ્ડ દ્રશ્યો હોવા સિનેમાને મોડર્નાઈઝ નથી કરતું પરંતુ સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે તેને એટલી સહજતાથી સ્ક્રીન પર બતાવવા એ ગુજરાતી સિનેમામાં પ્રથમવાર થયું છે. દિશા અને રોનકે, જે કમ્ફર્ટનેસ સાથે ઇન્ટિમેટ સીન્સ પ્લે કર્યા છે, તેવું સામાન્યપણે ગુજરાતી મુવીમાં જોવા મળતું નથી. આનો શ્રેય ડિરેક્ટરને પણ આપવો જ પડે. પ્રેમ અને પ્રેમની વ્યાખ્યા ખાલી સાથે જીવા-મરવા કરતા પણ વધુ તેને માણવાની છે, તે વાત પિક્ચર ખુબ જ સુંદર રીતે કહી જાય છે.
એડિટિંગ અને સ્ક્રીનપ્લે ફિલ્મનો માઇનસ પોઇન્ટ છે
પિક્ચરનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એડિટિંગ છે. સ્ટોરી, એક્ટિંગ, ડિરેક્શન તેમજ સિનેમેટોગ્રાફીથી લઈને મ્યુઝિક સુધી બહુ એ-વન છે. જો કે, પિક્ચરની લંબાઈ એકસમયે અસહનીય બની જાય છે. સ્ક્રીનપ્લે અને એડિટિંગ ટેબલ પર કામ કરીને અમુક સંવાદો અને વાતોને ક્રિસ્પ કરી શકાય એમ હતી. 30 મિનિટ જેટલું ડ્યુરેશન ઘટી જાય તો જોનારનું એટેચમેન્ટ વધુ રહી શકે એમ હતું.