Carrot Barfi Recipe: હલવાને બદલે શિયાળામાં ટ્રાય કરો ગાજર-ડ્રાયફ્રુટ્સ બરફી, બધા પૂછશે બનાવવાની રીત

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 25 Dec 2023 03:30 AM (IST)Updated: Mon 25 Dec 2023 03:30 AM (IST)
winter-special-recipe-how-to-make-carrot-barfi-254899

Carrot Barfi Recipe: શિયાળામાં જો મીઠાઈ ખાવાનું મન થાય તો તમે ગાજરની બરફી ટ્રાય કરી શકો છો. તે સ્વાદમાં જોરદાર હોવાની સાથે જ પોષણથી ભરપૂર હોય છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ શાક માર્કેટમાં ગાજર દેખાવા લાગે છે અને તેની સાથે જ ગાજરમાંથી બનતી મીઠી વાનગીઓનો ટ્રેન્ડ શરૂ થઈ જાય છે. તમે સ્વીટ ડિશ તરીકે ગાજરનો હલવો તો ઘણીવાર ટ્રાય કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય ગાજરની બરફીનો આનંદ લીધો છે? જો નહીં, તો આજે અમે તમને ટેસ્ટી ગાજરની બરફી બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

તમે જો મીઠાઈ ખાવાના શોખીન છો તો ગાજરની બરફીનો સ્વાદ તમને ખૂબ જ પસંદ આવશે. ગાજરની બરફીની રેસીપી સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તો ચાલો જાણીએ ગાજરની બરફી બનાવવાની સરળ રીત.

ગાજર અને ડ્રાયફ્રૂટ્સની બરફી બનાવવા માટેની સામગ્રી
અડધો કિલો ગાજર, 20-25 કાજુ, 20-25 બદામ, અખરોટ અને પિસ્તા ઈચ્છા મુજબ, 1 લીટર દૂધ, 250 ગ્રામ ગોળ

બરફી બનાવવાની રીત

  • સૌથી પહેલા ગાજરને સારી રીતે ધોઈ લો. પાણી સુકાઈ જાય પછી તરત જ ગાજરને છીણી લો.
  • કડાઈને ગરમ કરો અને ડ્રાયફ્રુટ્સને શેકી લો. જ્યારે કાજુ-બદામ થોડા ઠંડા થઈ જાય એટલે તેને ગ્રાઇન્ડરમાં નાખીને પાઉડર બનાવી લો.
  • કોઈ એક જાડા તળિયાવાળી તપેલીમાં દૂધને નાખીને ઉકાળો. જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યારે તેમાં છીણેલું ગાજર નાખીને હલાવો.
  • ધીમી આંચ પર ગાજરને દૂધમાં ઉકાળો. તેને ત્યાં સુધી ઘટ્ટ કરો જ્યાં સુધી કે દૂધ સુકાઈ ન જાય. જ્યારે ગાજર અને દૂધ પાકીને ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ગ્રાઈન્ડ કરેલા કાજુ-બદામ ઉમેરી દો. બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  • બીજી કડાઈમાં પાણી લો અને તેમાં ગોળને નાખીને ચાસણી તૈયાર કરો. જ્યારે ચાસણી ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ગાજરની પેસ્ટમાં ઉમેરી દો. સારી રીતે મિક્સ કરી દો.
  • કોઈ એક પ્લેટમાં ઘીને સારી રીતે કોટ કરો અને તૈયાર કરેલા મિશ્રણને ફેરવીને કોઈ ચમચાની મદદથી સ્મૂથ કરી દો.
  • સેટ થવા માટે થોડા કલાકો માટે છોડી દો, પછી મનપસંદ આકારમાં કાપીને બાળકોને ખવડાવો અથવા મહેમાનોને સર્વ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.