Gandhinagar News: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) અને યુનિવર્સિટી ઑફ સાન ડિએગો, USA એ વિવિધ શૈક્ષણિક, સંશોધન, ક્ષમતા નિર્માણ, તાલીમ, અને ફેકલ્ટી/સ્ટાફ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓમાં સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રોફેસર ચેલ રોબર્ટ્સ, ડીન, શિલી-માર્કોસ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ (SMSE), યુનિવર્સિટી ઑફ સાન ડિએગો, અને પ્રોફેસર એસ પી મેહરોત્રા, પ્રોફેસર-ઈન-ચાર્જ, એક્સટર્નલ રિલેશન્સ, IITGN, એ બંને સંસ્થાઓ વચ્ચે ફળદાયી અને ગતિશીલ ભાગીદારી માટે માર્ગ મોકળો કરવા આજે IITGN કેમ્પસ ખાતે યુનિવર્સિટી ઑફ સાન ડિએગોના એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર જી બી સિંઘ અને IITGNના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાની હાજરીમાં MoU પર હસ્તાક્ષર કર્યા અને તેનું આદાનપ્રદાન કર્યું.
આ નવી ભાગીદારી સાથે, વૈશ્વિક શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાના સર્વોચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ બંને સંસ્થાઓ સંયુક્ત ડબલ માસ્ટર પ્રોગ્રામ, બી ટેક અને માસ્ટર લેવલ પર ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ, જેમાં માસ્ટર ઇન એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને લીડરશિપનો સમાવેશ થાય છે, શરૂ કરશે; અને સંયુક્ત એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ પણ પ્રદાન કરશે.
વધુમાં, MoU ઇન્ક્યુબેશન, ઇનોવેશન, અને એન્ટરપ્રેન્યોરશિપ પ્રવૃત્તિઓના આદાન-પ્રદાનની; સંયુક્ત પરિસંવાદો, કાર્યશાળાઓ, અને પરિષદોના આયોજન; સ્ટાફ/ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમો, ક્ષમતા નિર્માણ અને વિશેષ તાલીમ કાર્યક્રમોના અમલીકરણ; તથા વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનોના દ્વિ-માર્ગીય આદાન-પ્રદાનની સુવિધા માટે શિક્ષણ શિબિરો અથવા ઇન્ટર્નશીપ માટે ટૂંકા ગાળાના વિદ્યાર્થી કાર્યક્રમોના અમલીકરણની સુવિધા પણ આપશે.
આ પ્રસંગે તેમના વિચાર શેર કરતા પ્રોફેસર રજત મૂના, ડાયરેક્ટર, IITGN, એ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો, અને સ્ટાફને તેમના ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે શ્રેષ્ઠ વૈશ્વિક શિક્ષણ, તાલીમ, અને અનુભવ પ્રદાન કરવાના અમારા સહિયારા લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા યુનિવર્સિટી ઑફ સાન ડિએગો સાથે મળીને કામ કરવાનો અમને આનંદ છે. વ્યાપક સામાજિક અસર માટે આ ભાગીદારીમાંથી મને ઘણાં હકારાત્મક પરિણામો દેખાય છે.
પ્રોફેસર ચેલ રોબર્ટ્સ, ડીન, SMSE, યુનિવર્સિટી ઑફ સાન ડિએગો,એ જણાવ્યું કે, IITGN સાથેનો આ સહયોગ વૈશ્વિક શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે એક ફળદાયી ભાગીદારીની આશા રાખીએ છીએ જે વિદ્યાર્થીઓ, શિક્ષકો ,અને બંને બાજુના સંશોધન સમુદાયને લાભ કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.