કેડીલા ફાર્માસ્યુટિકલ્સે, સેવા (સેલ્ફ એમ્પલોઈડ વિમેન્સ એસોસિએશન) ના ભાગીદારીથી ધોળકા ખાતે આયોજન કિશોરીઓના જ્ઞાન અને જાણકારીની વૃધ્ધિ અને સશક્તિકરણ માટે કિશોરી મેળાનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં ધોળકા અને દસ્ક્રોઇ તાલુકા માંથી 200થી વધુ કિશોર કન્યાઓ લાભાર્થી બની હતી. યોગ્ય પોષણ વિશે યોગ્ય જ્ઞાન એ કિશોરાવસ્થાની છોકરીઓના વિકાસના તબક્કાનો આવશ્યક ભાગ છે.
આ કિશોરી મેળામાં કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ અને બેઠકો યોજવામાં આવી હતી, જેમાં બાજરીના પોષક લાભો પરના પ્રદર્શનો સહિત બેટી બચાવો, બેટી પઢાઓ, ઉપરાંત મહિલા કલ્યાણ પ્રોત્સાહન માટે મહિલાઓની 181 હેલ્પલાઈન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આ સમારંભમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે માહિતીપ્રદ બેઠકો યોજીને તેમને એનિમિયા નાબૂદી, પોષણ અને એકંદર આરોગ્ય અંગે સમજ આપવામાં આવી હતી. લાભાર્થી કિશોરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ આરોગ્ય અને શરીર સૌષ્ઠવનું મહત્વ સમજાવાયું હતું અને સુપરફૂડ મિલેટસ (જાડા ધાન્ય)ના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પર્યાવરણ જાળવણી અંગે પણ પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી હતી.
કેડીલા ફાર્માસ્યુટિકલ્સની સખાવતી શાખા ઈન્દ્રશીલ કાકા-બાબા અને કલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી- ડો. ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે કેડીલા ફાર્માસ્યુટિકલ્સ વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓ મારફતે સમાજને કશુંક પરત આપવાનું ધ્યેય ધરાવે છે. કન્યા શિક્ષણ અને મહિલાઓના આરોગ્ય અંગે સતત પ્રવૃત્તિશીલ રહેવા ઉપરાંત તે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સંદર્ભમાં કિશોરી મેળામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
ચાંપાનેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે “સેવાના સહયોગમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો ભવિષ્યમાં યોજવાનું વિચારી રહ્યા છીએ.”