Kanku Chaudhary: "છોકરી જોતી હોય તો લઈ જાય, અમે છોકરાની ફેવરમાં નથી": ઉણ ગામના સરપંચની સ્પષ્ટતા

સરપંચે પોલીસનો આભાર માનતા કહ્યું કે, જ્યારે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી ત્યારે પોલીસે સમયસૂચકતા વાપરી લાઠીચાર્જ કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Mar 2026 12:15 PM (IST)Updated: Fri, 20 Mar 2026 12:15 PM (IST)
banaskantha-news-kanku-chaudhary-love-marriage-case-sarpanch-statement-regarding-attack-in-un-village

Kanku Chaudhary Love Marriage Case: ઉણ ગામે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે સર્જાયેલા તણાવ બાદ હવે ગામના સરપંચનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સરપંચે ચૌધરી સમાજના ટોળા દ્વારા ગામ પર કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.

બનાસકાંઠાના ઉણ ગામે દીકરી કંકુ ચૌધરીને પરત લાવવાના મુદ્દે થયેલી હિંસક અથડામણ બાદ ગામના રબારી સમાજના સરપંચે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સરપંચે સ્પષ્ટ કર્યું છે કે જે યુવક દીકરીને લઈ ગયો છે, તેની સાથે આખા ગામને કોઈ સંબંધ નથી, તેમ છતાં આયોજનબદ્ધ રીતે ગામ પર હુમલો કરવામાં આવ્યો છે.

છોકરો બે વર્ષથી ગામમાં આવ્યો જ નથી

સરપંચે જણાવ્યું હતું કે, "જે રબારી (દેસાઈ) સમાજનો યુવક ચૌધરી સમાજની દીકરી સાથે લવ મેરેજ કરીને ગયો છે, તે છેલ્લા બે વર્ષથી ઉણ ગામમાં આવ્યો જ નથી. ગામલોકો તેને ગામમાં પ્રવેશવા પણ દેતા નથી. તે ક્યાં છે તેની અમને જાણ નથી. જો ચૌધરી સમાજને દીકરી જોઈતી હોય તો તેઓ બહારથી તેને શોધી લે, ગામનો કોઈ પણ વ્યક્તિ તે યુવકને સપોર્ટ કરતો નથી."

ગામ પર હુમલો અને નુકસાનના આક્ષેપો

સરપંચના જણાવ્યા અનુસાર, ગુજરાતભરમાંથી ચૌધરી સમાજના લોકો ઉણ ગામે એકઠા થયા હતા. ગામલોકોને ખ્યાલ પણ નહોતો અને અચાનક ટોળાએ હુમલો કરી દીધો. સરપંચે આક્ષેપ કર્યો કે, ટોળામાં સામેલ કેટલાક અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમણે ત્રણ વખત ગામ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રેખાબેન ચૌધરી દ્વારા વારંવાર લોકોને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ સરપંચે કર્યો છે. હુમલાખોરોએ ગામમાં વીજળીના ડીપી (DP) ના વાયરો કાપી નાખ્યા, હોટલો અને દરબારગઢના ઘરો પર ભારે પથ્થરમારો કર્યો હતો.

પોલીસની કામગીરી

સરપંચે પોલીસનો આભાર માનતા કહ્યું કે, જ્યારે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી ત્યારે પોલીસે સમયસૂચકતા વાપરી લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે હુમલો કરનારા આશરે 62 જેટલા લોકોની ધરપકડ કરી છે. સરપંચે માંગ કરી છે કે ઉણ ગામને ટાર્ગેટ બનાવીને જે નુકસાન કરવામાં આવ્યું છે, તે બદલ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.