Love Marriage Dispute In Gujarat: વાવ-થરાદના ભાભર અને ઓગડ પંથકમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા બાબતે ચાલી રહેલો સામાજિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉણ ગામે થયેલી ભારે અરાજકતા અને પોલીસ પર થયેલા હુમલા બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
15 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઇ
ચૌધરી સમાજની દીકરીને પરત લાવવાના મુદ્દે 18મી માર્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિએ ઉણ ગામે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે 800થી 1000 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં ધસી આવી પથ્થરમારો કરી અફરાતફરી મચાવી દીધી હતી. આ બનાવમાં 20થી વધુ વાહનોના કાચ તોડી મોટું નુકસાન કરવામાં આવ્યું છે.
પોલીસ પર જીવલેણ હુમલો
ઘટનાસ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવા હાજર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈ તથા તેમના સ્ટાફ પર ટોળાએ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. ટોળાએ પાઈપ, ધોકા અને પથ્થરમારો કરીને પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, કાળા રંગની સ્કોર્પિયો ગાડીના ચાલક કિરણ ચૌધરી દ્વારા પોલીસ તરફ ગાડી દોડાવવાનો પણ ગંભીર આક્ષેપ ફરિયાદમાં નોંધાયો છે.
હાઈવે પર ચક્કાજામ અને આર્થિક નુકસાન
સમાજ દ્વારા સંમેલન યોજાયા બાદ ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરીને વાહન વ્યવહાર અવરોધ્યો હતો. તોડફોડમાં પોલીસના વાહનો સહિત અનેક ખાનગી વાહનોને નિશાન બનાવાયા હતા, જેના કારણે અંદાજે એક લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવ્યું છે.
કાયદાકીય કાર્યવાહી
થરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, પોલીસે અત્યાર સુધીમાં 15 નામજોગ આરોપીઓ અને આશરે 800થી 1000 અજાણ્યા લોકો સામે ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરવા બાબતે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
