"બેટા, તું પણ અમારું જ સંતાન હતી, તો અમને કેમ મૂકીને ગઈ?": કંકુ ચૌધરીની માતા જુમાબેનની હૃદયસ્પર્શી અપીલ

કંકુ ચૌધરીના માતા-પિતા બંને હવે મીડિયા સમક્ષ આવીને દીકરીને પરત આવવા વિનંતી કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Mar 2026 11:42 AM (IST)Updated: Fri, 20 Mar 2026 12:16 PM (IST)
banaskantha-news-heartbreaking-appeal-by-juma-ben-chaudhary-mother-of-kanku-chaudhary

Love Marriage Controversy in Gujarat: બનાસકાંઠા જિલ્લાના સામાજિક વિવાદમાં હવે માતાની મમતા અને વિરહની વેદના સામે આવી છે. કંકુ ચૌધરીને પરત લાવવાની માંગ સાથે જ્યારે સમાજ એકજૂથ થયો છે, ત્યારે તેની માતા જુમાબેન ચૌધરીએ દીકરીને ઉદ્દેશીને કરેલી લાગણીસભર અપીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીને પરત લાવવા માટે ચાલી રહેલું આંદોલન હવે અત્યંત સંવેદનશીલ તબક્કે પહોંચ્યું છે. પિતા જગમાલભાઈ બાદ હવે કંકુની માતા જુમાબેન ચૌધરીએ પણ મીડિયા સમક્ષ આવીને પોતાની દીકરીને ઘરે પરત આવવા માટે હૃદયદ્રાવક અપીલ કરી છે. માતાની આ વેદનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

માતાનો આક્રોશ અને મમતા

જુમાબેને પોતાની દીકરીના હાલના વલણ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "અમારી દીકરી અત્યારે એમ કહે છે કે હું મારા બાળકને મૂકીને કેમ આવું? તો અમારે તેને એટલું જ પૂછવું છે કે બેટા, શું તું અમારું બાળક નહોતી? જો તું તારા બાળકને નથી મૂકી શકતી, તો તું અમને (તારા મા-બાપને) મૂકીને કેમ જતી રહી?" માતાના આ સવાલે સામાજિક સંબંધો અને પરિવારની અગત્યતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પરિવાર, ગામ અને સમાજ માટે પાછી આવી જા

પોતાની દીકરી અત્યારે ક્યાંકથી આ બધું જોઈ રહી હશે તેવી આશા સાથે જુમાબેને કહ્યું, "તું અમને જુએ છે, તો તું હાજર થઈ જા. તારું આખું કુટુંબ તને બોલાવી રહ્યું છે, તારું ગામ અને આખો ચૌધરી સમાજ તારી રાહ જોઈ રહ્યો છે. બેટા, મારા કહેવાથી આટલું સાંભળી લે અને ઘરે પાછી આવી જા." માતાએ આજીજી કરતા જણાવ્યું કે દીકરીના એક નિર્ણયને કારણે આજે અનેક પરિવારો અને આખો સમાજ મુશ્કેલીમાં મુકાયો છે.

ઘટનાનો ઘટનાક્રમ અને વર્તમાન સ્થિતિ

  • વિવાદનું કેન્દ્ર: ચૌધરી સમાજની દીકરી અન્ય સમાજમાં ગઈ હોવાથી તેને પરત લાવવા માટે સમાજ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
  • હિંસક વળાંક: અગાઉ ઉણ ગામે થયેલા મહાસંમેલન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં તોડફોડની ઘટનાઓ પણ બની હતી.
  • તંત્રની કાર્યવાહી: પોલીસે આ મામલે 1000 થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
  • પરિવારની ભૂમિકા: પિતા જગમાલભાઈએ 'છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય' કહીને દીકરીને સ્વીકારવાની ખાતરી આપી છે, જ્યારે માતાએ ભાવનાત્મક અપીલ કરી છે.

કંકુ ચૌધરીના માતા-પિતા બંને હવે મીડિયા સમક્ષ આવીને દીકરીને પરત આવવા વિનંતી કરી રહ્યા છે. આ મામલો હવે માત્ર કાયદાકીય રહ્યો નથી, પરંતુ બે સમાજ વચ્ચેના પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગયો છે. પોલીસ વહીવટી તંત્ર પણ આ સંવેદનશીલ કિસ્સામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યું છે.