ભાભરના રુણી ગામે ચૌધરી સમાજના મહાસંમેલનમાં ભારે હોબાળો: દીકરીને પરત લાવવાના મુદ્દે યુવાનો અને આગેવાનો આમને-સામને આવ્યા

ભાભરના રુણી ગામનો આ કિસ્સો હવે માત્ર બે સમાજ વચ્ચેનો વિવાદ રહ્યો નથી, પરંતુ તે એક જ સમાજના બે પેઢી (યુવાન અને વૃદ્ધ) વચ્ચેના વિચારોના સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 18 Mar 2026 03:15 PM (IST)Updated: Wed, 18 Mar 2026 04:38 PM (IST)
anjana-chaudhary-samaj-meeting-huge-uproar-at-chaudhary-samaj-grand-convention-in-runi-village-of-bhabhar

Anjana Chaudhary Samaj Meeting: બનાસકાંઠાના સામાજિક ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવા દ્રશ્યો આજે ભાભરના રુણી ગામે જોવા મળ્યા હતા. રબારી સમાજના યુવક સાથે લગ્ન કરનાર કંકુ ચૌધરીને પરત લાવવાની માંગ સાથે આયોજિત મહાસંમેલન શિસ્ત ગુમાવી બેઠું હતું. સ્ટેજ પર બિરાજમાન વરિષ્ઠ આગેવાનો અને સભામાં હાજર ઉશ્કેરાયેલા યુવાનો વચ્ચે ઉગ્ર દલીલો થતા આખું સંમેલન વેરવિખેર થઈ ગયું હતું. યુવાનોના આક્રોશ સામે આગેવાનો પણ લાચાર જણાતા હતા અને અંતે સભા છોડીને રવાના થવાની ફરજ પડી હતી.

તાત્કાલિક નિર્ણયની માંગ અને સમયની મર્યાદા વચ્ચે ટકરાવ

મહાસંમેલન દરમિયાન વિવાદનું મુખ્ય કારણ સમય મર્યાદા બની હતી. સ્ટેજ પરથી વરિષ્ઠ આગેવાનોએ એવી રજૂઆત કરી હતી કે કંકુ ચૌધરીને પરત લાવવા માટે કાયદાકીય અને સામાજિક પ્રક્રિયામાં સમયની જરૂર છે. આગેવાનોએ પાંચ દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ આ વાત સાંભળતા જ સભામાં હાજર યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. યુવાનોની સ્પષ્ટ માંગ હતી કે, "અમને કોઈ પાંચ દિવસની મહેતલ મંજૂર નથી, આજે ને આજે જ નિર્ણય લો અને દીકરીને પરત લાવો."

પ્રમુખનું સ્પીકર બંધ કરાયું અને હોબાળો મચ્યો

પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે સમાજના પ્રમુખ સભાને સંબોધિત કરી રહ્યા હતા. યુવાનોના ટોળાએ સ્ટેજ પાસે પહોંચીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ચર્ચાઓ મુજબ, ઉશ્કેરાયેલા યુવાનોએ પ્રમુખનું સ્પીકર પણ બંધ કરાવી દીધું હતું, જેથી તેમનો અવાજ જનતા સુધી ન પહોંચી શકે. વરિષ્ઠ આગેવાનોએ યુવાનોને શાંત પાડવાની કોશિશ કરી, પરંતુ યુવાનો 'તાત્કાલિક ન્યાય'ની જીદ પર અડગ રહ્યા હતા.

મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન અને મોબાઈલ છીનવવાની કોશિશ

આ હોબાળાના દ્રશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે કેટલાક ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયાકર્મીઓને પણ નિશાન બનાવ્યા હતા. રિપોર્ટિંગ કરી રહેલા પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવી લેવાની કોશિશ કરવામાં આવી હતી અને કવરેજ તાત્કાલિક બંધ કરી દેવા માટે ધમકાવવામાં આવ્યા હતા. આ હિંસક વલણના કારણે સભામાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આગેવાનો સભા છોડીને રવાના

જ્યારે આગેવાનોને અહેસાસ થયો કે યુવાનો હવે તેમના નિયંત્રણમાં નથી અને સ્થિતિ વધુ બગડી શકે છે, ત્યારે વરિષ્ઠ આગેવાનોએ સભા અધવચ્ચે જ પડતી મૂકી હતી. સ્ટેજ પરથી એક પછી એક આગેવાનો ઉતરીને રવાના થઈ ગયા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલો સમાજ કોઈ ચોક્કસ નિર્ણય વગર જ વિખેરાઈ રહ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

ભાભરના રુણી ગામનો આ કિસ્સો હવે માત્ર બે સમાજ વચ્ચેનો વિવાદ રહ્યો નથી, પરંતુ તે એક જ સમાજના બે પેઢી (યુવાન અને વૃદ્ધ) વચ્ચેના વિચારોના સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. ઉશ્કેરાયેલા યુવાનોના વર્તનને કારણે સામાજિક એકતા જોખમાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ ઉગ્ર આક્રોશ બાદ આગામી દિવસોમાં પોલીસ અને વહીવટી તંત્ર કેવી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે છે.