Kanku Chaudhary Love Marriage Case: બનાસકાંઠા જિલ્લાના ઓગડ વિસ્તારમાં સામાજિક ચર્ચાનો વિષય બનેલી કંકુ ચૌધરીની ઘટનામાં હવે પિતાની લાચારી અને વેદના સામે આવી છે. દીકરીના વિરહમાં ઝૂરતા પિતા જગમાલભાઈ ચૌધરીએ જાહેર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વિવાદને કારણે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ આખો સમાજ અને વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
આ પણ વાંચો
વાવ-થરાદના ભાભર અને ઓગડ પંથકમાં ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીને પરત લાવવા બાબતે ચાલી રહેલો વિવાદ હવે ભાવનાત્મક વળાંક લઈ રહ્યો છે. ઉણ ગામે થયેલી હિંસક અથડામણ અને સામાજિક તણાવ વચ્ચે કંકુ ચૌધરીના પિતા જગમાલભાઈ ચૌધરીએ એક અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી અપીલ કરી છે. તેમણે દીકરીને જલદી ઘરે પરત આવવા વિનંતી કરતા સમાજમાં વ્યાપી રહેલા વૈમનસ્યને અટકાવવા આજીજી કરી છે.
કંકુ ચૌધરીના પિતાની અપીલ
જગમાલભાઈએ ખૂબ જ ભાવુક થઈને જણાવ્યું કે, "રૂપિયાથી વ્યાજ વહાલું હોય છે, અને મારા માટે મારી દીકરી એ જ મારું સર્વસ્વ છે. અત્યારે મારા ભાઈઓ, મારો પરિવાર અને મારું આખું કુટુંબ અત્યંત દુઃખમાં છે. માત્ર અમારો પરિવાર જ નહીં, પણ મારા ગામના લોકો પણ લાચારી અનુભવી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે આ એક દીકરીના નિર્ણયને કારણે આજે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે વિખવાદ ઊભો થયો છે, જે બંને સમાજ માટે દુઃખદાયક છે.
સમાજ અને સરકારની ચિંતા
પિતાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, જ્યારે બે સમાજ વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે ત્યારે સરકાર અને તંત્રએ પણ પરેશાની ભોગવવી પડે છે. "આ મામલે બે સમાજ દુઃખી થતા સરકાર પણ દુઃખી છે. હું નથી ઈચ્છતો કે આ વિવાદ વધુ વકરે અને કોઈ મોટી જાનહાની કે અશાંતિ સર્જાય." ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઉણ ગામે આ મુદ્દે થયેલા દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પોલીસ પર હુમલો અને વાહનોમાં તોડફોડની ઘટનાઓ બની હતી.
માવતર કમાવતર ન થાય
દીકરીને સંબોધતા જગમાલભાઈએ પરંપરાગત કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "બેટા, છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય. જો તારાથી કોઈ પણ ભૂલ થઈ હોય, તો અમે તારા મા-બાપ છીએ અને અમે બધું જ સ્વીકારી લઈશું. તારી દરેક ભૂલને માફ કરીને અમે તને સ્વીકારવા તૈયાર છીએ." તેમણે અત્યંત આજીજીભર્યા સ્વરે વિનંતી કરી કે કંકુ જલદીથી પાછી આવી જાય તો જ આ બંને સમાજ વચ્ચેના 'ડખા' અને તણાવનો અંત આવી શકે તેમ છે.
સામાજિક શાંતિ માટે અપીલ
જગમાલ ચૌધરીના આ નિવેદન બાદ પંથકમાં શાંતિ જાળવવા માટેની અપીલો તેજ થઈ છે. સામાજિક આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે કે આ મામલો વધુ ઉગ્ર ન બને અને સમજાવટથી ઉકેલ આવે. પિતાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક લાચાર પિતા પોતાની દીકરીને સમાજની મર્યાદા અને પરિવારની શાંતિ કાજે પરત આવવા આજીજી કરી રહ્યા છે.
