બનાસકાંઠામાં સામાજિક સન્માનની લડાઈ: રુણી ગામે આંજણા ચૌધરી સમાજનું વિરાટ મહાસંમેલન; '5 દિવસમાં દીકરી પરત નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે'

આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને હજારો યુવાનો ઉમટી પડ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 18 Mar 2026 02:35 PM (IST)Updated: Wed, 18 Mar 2026 04:39 PM (IST)
anjana-chaudhary-community-holds-a-grand-convention-in-runi-village-of-vav-tharad-threat-of-fierce-agitation-if-daughter-is-not-returned-in-5-days

Chaudhary Samaj Sammelan, Runi: ઉત્તર ગુજરાતના સામાજિક સમીકરણો અત્યારે ગરમાયા છે. ભાભર તાલુકાના રુણી ગામની દીકરી કંકુ ચૌધરી, જેણે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે, તેને પરત લાવવા માટે આજે આંજણા ચૌધરી સમાજ દ્વારા એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને હજારો યુવાનો ઉમટી પડ્યા હતા. સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ દીકરી પરત લાવવાની સાથે સમાજના 'સન્માન'ની છે.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદના મૂળ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના કિસ્સામાં રહેલા છે. કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલને તેના મૂળ સમાજમાં પરત સોંપવામાં આવી હતી. આ ઘટના બાદ ચૌધરી સમાજમાં એવી માંગ ઉઠી કે જો રબારી સમાજની દીકરી પરત જતી હોય, તો અગાઉ રબારી સમાજના યુવક સાથે લગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરી કંકુને પણ પરત લાવવી જોઈએ.

કંકુ ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ દંપતીને સંતાનમાં એક વર્ષનો પુત્ર પણ છે. જોકે, હવે બદલાયેલા સામાજિક માહોલમાં ચૌધરી સમાજ આ દીકરીને કોઈપણ ભોગે પરત મેળવવા મક્કમ બન્યો છે.

5 દિવસનું અલ્ટીમેટમ: રજનેશ ચૌધરી

64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ મહાસંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, "સમાજના યુવાનોમાં ભારે આક્રોશ છે, પરંતુ અમે સમજાવટથી રસ્તો કાઢવા માંગીએ છીએ. 64 ગોળ આંજણા કેળવણી મંડળે આગામી પાંચ દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી સ્વીકારી છે. અમે રબારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીશું. જો પાંચ દિવસમાં સકારાત્મક પરિણામ નહીં આવે, તો સમાજ પોતાની આગામી રણનીતિ નક્કી કરશે."

કંકુ ચૌધરીની હૃદયદ્રાવક અપીલ

બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને બંને સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરી છે. તેણે જણાવ્યું હતું કે, "મેં 31 માર્ચ, 2024ના રોજ મારી મરજીથી ઘરેથી નીકળીને મહાદેવ રબારી સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. મારે એક વર્ષનો દીકરો છે. મહેરબાની કરીને મને મારા દીકરાથી દૂર ન કરો અને તેને મા-બાપ વગરનો ન બનાવો. આગેવાનો એવો નિર્ણય લે કે જેથી મારો પરિવાર ન વિખેરાય."

યુવાનોમાં આક્રોશ અને પોલીસ બંદોબસ્ત

મહાસંમેલનમાં હાજર હજારો યુવાનોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. પરિસ્થિતિને જોતા ભાભર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સામાજિક આગેવાનો અત્યારે યુવાનોને શાંત પાડી રહ્યા છે અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી રહ્યા છે.

બનાસકાંઠામાં આ મામલો અત્યારે સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. એક તરફ સમાજના નિયમો અને સન્માનની વાત છે, તો બીજી તરફ એક સ્ત્રીની ઈચ્છા અને તેના એક વર્ષના બાળકના ભવિષ્યનો સવાલ છે. આગામી પાંચ દિવસ આ પંથકની સામાજિક શાંતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.