Bharuch: વાગરામાં 108ના EMT દેવદૂત બન્યા, ગળામાં ફસાયેલી મચ્છી કુશળતાથી બહાર કાઢી 9 માસના બાળકનો જીવ બચાવ્યો

ગળામાં મચ્છી ફસાઈ જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સાથે જ લોહીની ઉલટી થતાં 108ને જાણ કરવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Sep 2025 08:50 PM (IST)Updated: Sun 07 Sep 2025 08:50 PM (IST)
bharuch-news-108-emt-sonalben-maliwad-save-9-month-child-by-back-blow-treatment-599133
HIGHLIGHTS
  • EMT સોનલબેને 15 થી 20 મિનિટ બેક બ્લો આપતાં મચ્છી બહાર આવી
  • બાળક ભરૂચ સિવિલમાં ઑક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ

Bharuch: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં નવ મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ગળામાં મચ્છી અટવાતા બાળકને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી અને લોહીની ઉલટી પણ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદ બાળકને CHC વાગરાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

રમતાં રમતાં બાળકના મોઢામાં મચ્છી ફસાઈ ગઈ હતી, જેના કારણે જીવન જોખમાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ટીમ EMT સોનલબેન માલીવાડ અને પાઈલટ કૃષ્ણપાલસિંહ રાઠોડ તરત જ ઘટનાસ્થળે પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા.

આ દરમિયાન ડૉ. કુરેશીની સલાહ મુજબ EMT સોનલબેન માલીવાડે 108માં લીધેલી તાલીમનો ઉપયોગ કરતાં સતત 15 થી 20 મિનિટ સુધી બેક બ્લો (Back Blow) આપ્યા. અંતે બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી ગઈ અને બાળકને શ્વાસમાં રાહત મળી હતી. જે બાદ તેને ઓક્સિજન સપોર્ટ અને વાયટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચ સુરક્ષિત પહોંચાડવામાં આવ્યો હતો.

108ની EMT સોનલબેન માલીવાડની કુશળતા અને તાત્કાલિક કાર્યવાહીથી નવ મહિનાના બાળકનો જીવ બચી ગયો. આ પ્રશંસનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબો તથા બાળકના પરિવારજનો દ્વારા સોનલબેનને અભિનંદન આપવામાં આવ્યા.