Vadodara: ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને બાજવા, ઉંડેરા અને કરાચિયા ગામોમાં માનવસર્જિત પૂરના કારણે મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે નદી, તળાવ અને ડેમો છલકાયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વહીવટી તંત્ર સ્થળાંતર કામગીરીમાં લાગી ગયું છે.
આ પણ વાંચો
જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાજવા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ધંધા-રોજગાર પર અસર પડી છે. આસપાસની કંપનીઓ દ્વારા કેનાલમાં ગેરકાયદેસર જોડાણ કરી પાણી છોડાતા તળાવો છલકાઈ જાય છે અને ગામોમાં પાણી ફરી વળે છે.

સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે, છેલ્લા બે દિવસથી ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. માલસામાનને નુકસાન થવાની આશંકા વચ્ચે લોકો હવે સરકાર પાસે તાત્કાલિક નિકાલની માંગ કરી રહ્યા છે.
ગયા વર્ષે પણ નુકસાન થયું અને આ વર્ષે પણ સ્થિતિ એ જ છે. હવે ઘરમાં પણ પાણી છે, દુકાનોમાં પણ પાણી છે, તો અમે ક્યાં રહેવું?. એમ એક સ્થાનિકે આક્રોશ વ્યક્ત કર્યો. હજુ સુધી કોઈ નેતાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

સામાન્ય વરસાદમાં પણ અહીં ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જાય છે. હાલ 24 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં પાણી ઓસર્યા નથી. હાલાકીથી કંટાળેલા ગ્રામજનો તાત્કાલિક નિકાલ અને કાયમી ઉકેલની માગણી કરી રહ્યા છે.