Bharuch News: ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં નિર્દિષ્ટ વિસ્તારોના ગામોના વિકાસ માટે રૂ. 19.06 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્નારા ઔદ્યોગિક એકમો પાસેથી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા દર વર્ષે સંકલિત વેરો ઉઘરાવવામાં આવે છે, જેના 1/3 ભાગ એટલે કે (33%)નો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોમાં સમાવેશ થતાં ગામોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે. આ માટે સર્વગ્રાહી વિકાસ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિ દ્નારા ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં વિકાસ માટેના કામોને મંજૂરી આપવામાં આવે છે. જે સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં કુલ રૂ.19.06 કરોડના ખર્ચે નિર્દિષ્ટ વિસ્તારોના ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓનો વધારવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓ હવે વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે.
આ બેઠકમાં માળખાગત સુવિધાઓ વધારવા માટેના કામોને મંજૂરી મળતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાએ આ નિર્ણયને વધાવી અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેના અંતરને ઘટાડીને સર્વ સમાવેશક વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે અને આ પ્રકારના પ્રયાસોથી સમાવિસ્ટ વિસ્તારોના નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવશે અને એક સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ થશે.
નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં જરૂરી માળખાગત સુવિધાઓ વધારવા રોડ-રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, શૈક્ષણિક તથા અન્ય સુવિધાઓના વિકાસ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી. આ ભંડોળનો ઉપયોગ પાયાની જરૂરિયાતોને મજબૂત બનાવવા માટે થશે.
મંજૂર થયેલ ખર્ચની વિગતો
- ભરૂચ નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 1.56 કરોડ
- અંકલેશ્વર નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 8.47 કરોડ
- પાનોલી નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 3.67 કરોડ
- ઝઘડિયા નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 3.85 કરોડ
- વાલિયા નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 1.05 કરોડ
- પાલેજ નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. 0.46 કરોડ
સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના અધિકારીઓ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.