ગુજરાત બનશે ભારતનું 'સિલિકોન સ્ટેટ': ધોલેરા અને સુરતમાં બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી, રૂ. 3,936 કરોડનું રોકાણ થશે

બંને પ્રોજેક્ટ માટે ધોલેરા અને સુરતમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 09 May 2026 10:44 AM (IST)Updated: Sat, 09 May 2026 10:44 AM (IST)
gujarat-two-new-semiconductor-projects-approved-in-dholera-and-surat
HIGHLIGHTS
  • ગુજરાતને મળશે બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ
  • ધોલેરા અને સુરતમાં રૂ. 3,936 કરોડનું રોકાણ
  • વડાપ્રધાન મોદીના કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

Gujarat Semiconductor Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં સુરત અને ધોલેરામાં વધુ બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી ગુજરાત હવે દેશનું 'સિલિકોન સ્ટેટ' બનવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવી રહ્યું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) અંતર્ગત આ બે પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે.

મંજૂર થયેલા દેશના 12 માંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં

ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત નીતિ જાહેર કરી હતી. દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરનાર ગુજરાતમાં અત્યારે 'ડબલ એન્જિન' રફ્તાર જોવા મળી રહી છે. ભારતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલ કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાંથી અડધા એટલે કે 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતના ભાગે આવ્યા છે.

નવા મંજૂર થયેલ પ્રોજેક્ટ થકી 2,230 થી વધુ યુવાનોને પ્રત્યક્ષ ઉચ્ચ ટેકનિકલ રોજગારી મળશે અને તેની સાથે હજારો પરોક્ષ રોજગારીની તકો પણ નિર્માણ પામશે. 'ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન' (GSEM) સિંગલ વિન્ડો ફેસિલિટેટર તરીકે આ પ્રોજેક્ટ્સને જમીન, વીજળી અને અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.

ધોલેરા: દેશની પ્રથમ Mini/Micro-LED ફેબ્રિકેશન સુવિધા

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) હવે વિશ્વના અત્યાધુનિક ચિપ મેન્યુફેક્ચરિંગ સેન્ટરની હરોળમાં સામેલ થઈ ગયું છે. ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરામાં રૂ. 3,068 કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા સ્થાપવામાં આવશે.

અહીં ગેલિયમ નાઈટ્રાઈડ (GaN) ટેકનોલોજી પર આધારિત Mini/Micro-LED ડિસ્પ્લે બનાવવામાં આવશે, જે અત્યાર સુધી માત્ર વિદેશથી આયાત કરવામાં આવતી હતી. આ પ્લાન્ટ વાર્ષિક 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વેફર્સનું નિર્માણ કરશે. જે ભવિષ્યમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને હાઇ-એન્ડ ટીવી સ્ક્રીનમાં 'મેડ ઇન ગુજરાત' ચિપ્સ તરીકે ઝળકશે.

સુરતમાં 868 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટ

હીરા અને ટેક્સટાઇલ માટે પ્રખ્યાત સુરત શહેર હવે હાઈટેક સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં પણ પોતાનું નામ નોંધાવશે. સુરતમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. 868 કરોડના ખર્ચે નવી સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ઉભી કરવામાં આવશે.

આ પ્લાન્ટ કાર્યરત થતા તે વાર્ષિક 103.03 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ ચિપ્સ ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની વધતી જતી માંગને પહોંચી વળવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંજૂરી સાથે ગુજરાતમાં હવે ચિપ ડિઝાઈનિંગથી લઈને ફેબ્રિકેશન અને પેકેજીંગ સુધીની સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈન વધુ મજબૂત બની ગઈ છે.