Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવીએ આજે વડોદરાની મુલાકાત લીધી હતી. તેમણે એરપોર્ટથી સીધા જ વાઘોડિયા ચોકડી સ્થિત સરદારધામ પહોંચીને કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
અત્યાધુનિક શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ
આ પણ વાંચો
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંદાજે રૂ. 150 કરોડના ખર્ચે 4.75 લાખ ચોરસ ફૂટમાં 'સરદારધામ-4 શ્રી દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ'નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને વૈશ્વિક તાલીમ કેન્દ્રોની સુવિધા છે, જેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થનાર છે. હર્ષ સંઘવીએ સરદારધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની ચર્ચા કરી હતી.
રોડ-શો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
ટ્રસ્ટીઓ સાથેની બેઠક બાદ પ્રભારી મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વડાપ્રધાનના આગમન સમયે યોજાનારા ભવ્ય રોડ-શોને પગલે રૂટ પરની સુરક્ષા, ટ્રાફિક નિયમન અને સફાઈ ઝુંબેશ અંગે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી કાર્યક્રમને ભવ્ય અને સુરક્ષિત બનાવવો એ પ્રાથમિકતા છે.
વડોદરામાં ઉત્સાહનો માહોલ
બંગાળમાં ભવ્ય જીત અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, જેનો ઉત્સાહ કાર્યકરો અને જનતામાં જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ સુધી વડોદરામાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની આવનજાવનથી ભારે ધમધમાટ જોવા મળશે. મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડોદરાનું આતિથ્ય અને આ ભવ્ય લોકાર્પણ સમારોહ ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
