Gujarat Private Schools Protest: ગુજરાતની 17,000 થી વધુ સ્વનિર્ભર શાળાઓના હિત, અધિકારો, સ્વાયત્તતા અને અસ્તિત્વના રક્ષણ માટે કાર્યરત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા રાજ્યભરના શાળા સંચાલકોમાં નારાજગી વ્યાપી છે. મહામંડળે સરકાર અને શિક્ષણ વિભાગને તાત્કાલિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યવ્યાપી અસહકાર આંદોલનની ચીમકી આપી છે.
મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું કે, સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ સરકાર અને શિક્ષણ વિભાગની જવાબદારી છે. રાજ્યની હજારો સ્વનિર્ભર શાળાઓ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ત્યારે તેમની સ્વાયત્તતા અને કાયદેસરના અધિકારોને અસર કરતા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક સકારાત્મક અભિગમ અપનાવે અને મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ન્યાયસંગત ઉકેલ લાવે.
આ પણ વાંચો
તેમણે જણાવ્યું કે. શાળા સંચાલકોને પોતાના હક્કોના રક્ષણ માટે સંગઠિત થઈ લોકશાહી માર્ગે અસહકાર આંદોલન કરવાની ફરજ પડશે. મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા અને ઉપાધ્યક્ષ અવિનાશભાઈ પટેલે રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને સંગઠનની એકતા જાળવવા અને મહામંડળના ન્યાયસંગત હિતોની લડતમાં એક જૂથ બની સહકાર આપવા આહવાન કર્યું છે.
શિક્ષણ સુધારા વિધેયક 2026 અંગે ચિંતા વ્યક્ત કરતા મહામંડળના મહામંત્રી મનહર રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક 2026 અંગે સ્વનિર્ભર શાળા સંચાલકોમાં અનેક પ્રશ્નો અને ચિંતા છે. વિધેયકમાં રહેલી વિસંગતતાનું નિરાકરણ લાવી શાળાઓની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.
મહામંડળના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજય પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 30 ઓક્ટોબર, 2026 ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓનું મહાસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાઓના પડતર પ્રશ્નો, સ્વાયત્તતા અને અધિકારો અંગે સંગઠિત રજૂઆત કરશે.
ઝોનના તમામ શાળા સંચાલકોને એકતા સાથે સંમેલનમાં ભાગ લેવા અને મહામંડળની લડતને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના મહાસંમેલન બાદ રાજ્યના અન્ય ઝોનમાં પણ સંમેલનો યોજીને સરકાર સમક્ષ પ્રશ્નોને વધુ સંગઠિત રીતે રજૂ કરવામાં આવશે. દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મુખ્ય માંગણી
- સ્વનિર્ભર શાળાઓના તમામ પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવે.
- શિક્ષણ સુધારા વિધેયક 2026 અંગેની વિસંગતતાઓ અને શાળા સંચાલકોનાવાંધાઓનું નિરાકરણ લાવવામાં આવે.
- સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, કાયદેસરના અધિકારો અને શૈક્ષણિક કામગીરીનું રક્ષણ કરવામાં આવે.
- FEC પ્રક્રિયાઓ સરળ, પારદર્શક, સમયબદ્ધ અને ન્યાયસંગત બનાવવામાં આવે.
- શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયપહેલા મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવે.
