PM Surya Ghar Muft Bijli Yojana 2026 Apply Online Gujarat: પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાતમાં રૂફટોપ સોલાર અપનાવવામાં લોકો ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવી અને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાય છે. ત્યારે જાણો કેવી રીતે અરજી કરી અને સબસિડીની વિગતો...
રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં સુરત મોખરે
રાજ્યભરમાં અત્યાર સુધીમાં 5,88,047 ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવામાં 74,940 ઘરમાં સોલાર ઇન્સ્ટોલેશન સાથે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે. સુરત બાદ, 69,522 રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે અમદાવાદ બીજા ક્રમે છે, જ્યારે 65,514 ઘરમાં સોલાર ઇન્સ્ટોલેશન સાથે રાજકોટ ત્રીજા સ્થાને છે.
રાજ્યના અન્ય ટોચના જિલ્લાની વાત કરીએ તો, તેમાં વડોદરામાં 50,100 લાભાર્થી, જૂનાગઢમાં 28,726 લાભાર્થી, મહેસાણામાં 27,054 લાભાર્થી, ભાવનગરમાં 26,408 લાભાર્થી, બનાસકાંઠામાં 20,448 લાભાર્થી, આણંદમાં 19,512 લાભાર્થી અને જામનગરમાં 18,354 લાભાર્થીનો સમાવેશ થાય છે.
PM સૂર્ય ઘર યોજનાનો હેતુ અને લાભ
15 ફેબ્રુઆરી, 2024 માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રૂપિયા 75,000 કરોડથી વધુના રોકાણ સાથે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રૂફટોપ સોલાર એનર્જી દ્વારા લોકોને મફત અને સસ્તી વીજળી પૂરી પાડવાનો છે. માત્ર 2025 ના વર્ષમાં જ દેશભરમાં 10 લાખથી વધુ ઘરોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ યોજનાનો લાભ કોને મળી શકે?
- સામાન્ય રહેણાંક ઘર: મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો.
- બહુમાળી ઇમારત: એપાર્ટમેન્ટ્સ કે જ્યાં રહેણાંક સોસાયટી છે.
- નાના વ્યવસાયો: નાના પાયે કામ કરતા ઉદ્યોગ સાહસિકો.
PM સૂર્ય ઘર યોજના માટે અરજી કેવી રીતે કરશો?
જરૂરી દસ્તાવેજ
આ યોજના માટે અરજી કરતા પહેલા કેટલાક મહત્વના દસ્તાવેજો સાથે રાખો. જેમાં આધાર કાર્ડ, સ્થાન પ્રમાણપત્ર, વીજળી બિલ, બેંક પાસબુક, પાસપોર્ટ ફોટો, રેશન કાર્ડ, મોબાઇલ નંબર, એફિડેવિટ, આવકનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
- સૌપ્રથમ, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in ની મુલાકાત લો.
- વેબસાઇટ પર “Apply Now” બટન પર ક્લિક કરો.
- તમારો નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો.
- કેપ્ચા યોગ્ય રીતે દાખલ કરો અને ચકાસો પર ક્લિક કરો.
- તમને તમારા મોબાઇલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) મળશે.
- લોગિન કરવા માટે તેને દાખલ કરો.
- લોગિન કર્યા પછી, તમારે તમારી મૂળભૂત માહિતી ભરવાની રહેશે.
- આગળ, Apply for Solar Rooftop વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું રાજ્ય, જિલ્લો અને વીજળી વિતરણ કંપની પસંદ કરો.
- તમારો ગ્રાહક એકાઉન્ટ નંબર દાખલ કરો, જે તમારી વીજળી કનેક્શન માહિતી લોડ કરશે.
- બધી માહિતી સાચી છે કે નહીં તે ચકાસ્યા પછી ફોર્મ સબમિટ કરો.
- આ પગલાં પૂર્ણ કર્યા પછી, તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ શું?
- અરજી કર્યા બાદ સંબંધિત વિભાગ તમારા ઘરનું નિરીક્ષણ કરશે
- અધિકારીઓ તમારા ઘરની મુલાકાત લઈ સ્થળની તપાસ (Feasibility Study) કરશે.
- મંજૂરી મળ્યા બાદ, સરકાર દ્વારા માન્ય વેન્ડર તમારા ઘરે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે.
- ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ અને નેટ-મીટરિંગની પ્રક્રિયા કરવામાં આવશે.
- અંતે, સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરતની મહેમાન બનેલી મૈથિલી ઠાકુરનો અનોખો અંદાજ, ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર બની હીરા ઘસ્યા
આ યોજનામાં કેટલી સબસિડી મળશે?
સત્તાવાર પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રહેણાંક ઘરોને 2 કિલોવોટ સુધીની ક્ષમતાવાળા સૌર પ્લાન્ટ માટે 30 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટના દરે અને 3 kW સુધીની વધારાની ક્ષમતા માટે 18 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટના દરે સબસિડી આપવામાં આવે છે. 3 kW થી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સબસિડીની મહત્તમ રકમ 78 હજાર રૂપિયા રાખવામાં આવી છે.
હજારો નાગરીકોને થયો મોટો ફાયદો
હાલમાં વધતી ગરમીના કારણે વીજળીનો વપરાશ સતત વધી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આવનારા વર્ષોમાં વીજળીની માંગમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે, જે રૂફટોપ સોલાર ઉર્જાને પરિવારો માટે વધુને વધુ મહત્વપૂર્ણ વિકલ્પ બનાવે છે. રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ હજારો રહેવાસીઓને વીજળીના બિલમાં ઘટાડો થવાથી મોટો ફાયદો મળી રહ્યો છે.
