Surat: પોતાની આગવી ગાયકીથી દેશભરમાં નામના મેળવનાર અને બિહારના અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલ ધારાસભ્ય મૈથિલી ઠાકુર હાલમાં ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે, ત્યારે પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે સુરતની શાન ગણાતા હીરા ઉદ્યોગને ખૂબ જ નજીકથી નિહાળ્યો હતો
મૈથિલી ઠાકુર જાણીતા ઉદ્યોગપતિ અને 'ડાયમંડ કિંગ' સવજીભાઈ ધોળકિયાની 'હરેકૃષ્ણ ડાયમંડ' ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મૈથિલી ઠાકુરએ અહીં માત્ર હીરા ઉદ્યોગની કામગીરી નજીકથી નિહાળી જ નહતી, પરંતુ રત્નકલાકાર બનીને હીરા ઘસવાનો પ્રત્યક્ષ અનુભવ પણ લીધો હતો. હાથમાં અસલી હીરા લઈને તેની ચમક અને કટિંગનું બારીકાઈથી નિરીક્ષણ કરતા મૈથિલીને જોઈ રત્નકલાકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હીરા ઘસતી વખતે મૈથિલીએ જણાવ્યું કે, આ કાર્યમાં જે અદભૂત એકાગ્રતા અને ધીરજની જરૂર પડે છે, તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે રત્નકલાકારોના કૌશલ્યના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. બીજી તરફ દેશની જાણીતી ગાયિકાની સાદગી અને તેમના પ્રેમાળ સ્વભાવે રત્નકલાકારોના દિલ જીતી લીધા હતા.
ફેક્ટરીની મુલાકાત દરમિયાન મૈથિલી ઠાકુરે પોતાના હાથમાં અસલી હીરા લઈને તેની ચમક અને કટિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેણીએ રત્નકલાકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, એક હીરો જ્યારે ખાણમાંથી નીકળે છે, ત્યારે તે પથ્થર સમાન હોય છે, પરંતુ સુરતના આ કલાકારો પોતાની આંગળીઓના જાદુથી તેને વિશ્વભરમાં ચમકતો બનાવે છે. મૈથિલીએ ફેક્ટરીના અત્યાધુનિક મશીનો અને હજારો કારીગરોની કાર્યપ્રણાલી જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત મૈથિલી ઠાકુર સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ દ્વારા આયોજિત ભક્તિ સંધ્યામાં ઉપસ્થિત રહી હતી. મૈથિલી ઠાકુર જે હિન્દી, ભોજપુરી અને મૈથિલી ભાષામાં ગાયકી માટે વિશ્વ વિખ્યાત છે, તેણે સુરતના ભજન કાર્યક્રમમાં મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. તેમણે ભગવાન કૃષ્ણ અને માતાજીના ભજનોની રજૂઆત કરી હતી.
સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એ રહ્યું કે, મૈથિલીએ શુદ્ધ ગુજરાતી ભાષામાં ભગવાન કૃષ્ણના ભજનો ગાયા હતા. 'કાનજી તારી ગોવાળણ' અને 'નરસિંહ મહેતાના પદો' સાંભળીને સુરતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
