Heatstroke Warning: ગુજરાતમાં આગામી સપ્તાહે ભીષણ ગરમી અને હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમ-જેમ મહત્તમ તાપમાન વધશે, તેમ-તેમ હીટ સ્ટ્રોક અર્થાત લૂ લાગવાના કેસોમાં પણ ઝડપથી વધારો જોવા મળશે.
લૂ લાગવાથી વ્યક્તિને માત્ર ચક્કર જ આવે તેવું નથી, થાક અને નબળાઈ અનુભવવા ઉપરાંત ઘણી વખત સ્થિતિ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો કે એક વાત ચોક્કસ છે કે, લૂ ક્યારેય અચાનક નથી લાગતી, પરંતુ આપણું શરીર પહેલાથી જ કેટલાક સંકેત આપવા લાગે છે. જેને આપણામાંથી મોટાભાગના લોકો સાધારણ સમજીને ઈગ્નોર કરી દેતા હોય છે.
આ પણ વાંચો
આ સંદર્ભે અમે આકાશ હેલ્થકેરના સીનિયર કન્સલ્ટન્ટ અને ઈન્ટરનલ મેડિશન ડૉ. રાકેશ પંડિત સાથે વાત કરી હતી. જેમણે જણાવ્યું કે, જ્યારે શરીર લાંબા સમય સુધી ગરમીમાં રહે છે અને જાતે ઠંડું ના થઈ શકે, ત્યારે હીટસ્ટ્રોકની સ્થિતિ સર્જાય છે. જો સમયસર તેના લક્ષણોને પારખી લઈએ તો સરળતાથી સારવાર મળે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
લૂ લાગતા પહેલા શરીરમાં જોવા મળતા ફેરફાર
હીટવેવ દરમિયાન શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. એવામાં વ્યક્તિને વારંવાર તરસ લાગવી, મોંઢુ સૂકાઈ જવું અને હોઠ ફાટવા જેવી સમસ્યા થતી હોય છે. આ સિવાય શરીરનું તાપમાન વધવાથી બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર પડે છે. જેના પરિણામે માથું ભારે લાગવું, ચક્કર આવવા અને શરીરમાં નબળાઈનો અહેસાસ થઈ શકે છે.
લૂ લાગવાના શરૂઆતના તબક્કામાં આપણું શરીર જાતે ઠંડુ થવા માટે વધારે પરસેવો છોડે છે, પરંતુ ઘણીવાર સ્થિતિ એટલી હદે વણસે છે કે, પરસેવો વળવાનો જ બંધ થઈ જાય છે. જે હીટસ્ટ્રોકનો ગંભીર સંકેત માનવામાં આવે છે.
જો ગરમીમાં શરીરમાંથી પરસેવો અને ઈલેક્ટ્રોલાઈટ્સ ઝડપથી બહાર નીકળે, તો તેનાથી હાથ-પગ અને માંસપેશિઓમાં દુખાવાની સમસ્યા થાય છે. ઘણાં લોકોને લૂ લાગતા પહેલા અકળામણ અને ગભરામણ પણ થતી હોય છે, તો કેટલાક લોકોના હ્રદયના ધબકારા પણ વધી જતા હોય છે. ઘણીવાર લૂ લાગવાથી સ્કિન પર રેડનેસ જોવા મળે છે.
લૂ લાગવાનો સૌથી વધુ ખતરો કોને અને બચવા માટે શું કરવું?
લૂ લાગવાનો સૌથી વધુ ખતરો સીનિયર સિટીઝન, નાના બાળકો, ડાયાબિટીસ અને હ્રદયના દર્દીઓ, હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ, બહાર ખુલ્લામાં કામ કરતાં લોકો, પાણી ઓછું પીતા હોય તેવા લોકોને વધારે રહે છે.
લૂથી બચવા માટે ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેટલીક તકેદારી રાખીને પણ હીટસ્ટ્રોકના ખતરાને ટાળી શકાય છે. જેના માટે દિવસભર પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તડકામાં નીકળતી વખતે માથાને ઢાંકવું જોઈએ. બની શકે તો બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળો. ખુલ્લા કપડા પહેરવા જોઈએ. દારૂ ના પીવો જોઈએ. ORS, લીંબુનું શરબત અને નાળિયેરનું પાણી પીવાનું રાખવું જોઈએ.
