સગર્ભા મહિલાઓ માટે સરકારની 5 'સુપર સ્કીમ્સ', આર્થિક મદદ ઉપરાંત નિઃશુલ્ક સારવાર અને સુરક્ષિત ડિલિવરીનો લાભ મળશે

દેશમાં દર ત્રીજી સ્ત્રી કુપોષિત અને દર બીજી સ્ત્રી અનેમિનિયાથી પીડાય છે. આવી મહિલાઓમાં ઓછા વજનવાળા અથવા તો જન્મજાત ખામીવાળા બાળકોને જન્મ આપવાનું જોખમ રહે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 May 2026 08:36 PM (IST)Updated: Thu, 07 May 2026 08:36 PM (IST)
government-schemes-for-pregnant-women-in-india-2026-get-cash-benefits-and-free-treatment
AI Image
HIGHLIGHTS
  • આ યોજનાઓઓ માટે વધુ માહિતી નજીકના આંગણવાડી કેન્દ્રો અથવા આશા વર્કર પાસેથી મળશે

Government Schemes For Pregnant Women: ગર્ભાવસ્થા કોઈ પણ મહિલાની જિંદગીનો એક અગત્યનો તબક્કો હોય છે. આ સમયગાળા દરમિયાન સારવાર, અલગ-અલગ જાતના ટેસ્ટ, ન્યૂટ્રિશન, હોસ્પિટલ અને ડિલિવરી સાથે સંકળાયેલા અનેક ખર્ચાઓ પણ ખૂબ જ વધી જતા હોય છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં વસતા ઓછી આવક ધરાવતા પરિવારો માટે આવા ખર્ચાઓ તેમનું બજેટ ખોરવી દેતા હોય છે. આજ કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓની આર્થિક મદદ, નિઃશુલ્ક સારવાર, પોષણક્ષણ આહાર અને સુરક્ષિત ડિલિવરી જેવી સુવિધા પુરી પાડવાનો છે.

સરકારની આવી કોઈ પણ સ્કીમનો લાભ લેતા પહેલા તેની એલિજિબિલિટી, નિયમો અને સત્તાવાર જાણકારી હોય તે જરૂરી છે. એવામાં આજે અમે આપને સગર્ભા મહિલાઓ માટે ચલાવવામાં આવતી કેટલીક સરકારી યોજનાઓ વિશે વિગતવાર જણાવીએ, જે સારવારથી માંડીને ડિલિવરી અને ન્યૂટ્રિશન સુધી વરદાનરુપ સાબિત થઈ શકે છે.

સગર્ભા મહિલાઓ માટેની સરકારી યોજનાઓ (Government Schemes For Pregnant Women)

જનની સુરક્ષા યોજના (JSY): આ યોજનાનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં સુરક્ષિત ડિલિવરી માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના અંતર્ગત લાયક મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લઈને સહાય રકમ અલગ-અલગ હોઈ શકે છે. આ યોજના વિશે વધારે જાણકારી nhm.gov.in પર ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY): આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને તેના પ્રથમ જીવંત સંતાન માટે હપ્તે-હપ્તે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. વર્તમાન નિયમો પ્રમાણે, 5 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. જ્યારે બીજા સંતાનમાં દીકરી જન્મે તો વધારાનો લાભ પણ આપવામાં આવે છે. આ યોજના વિશે વધુ જાણકારી વેબસાઈટ pmmvy.wcd.gov.in પર મળી રહેશે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK): આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં નોર્મલ ડિલિવરી, દવાઓ, સી-સેક્સન, બ્લડ ટ્રાન્સફ્યૂઝન અને હોસ્પિટલમાં આવવા-જવા માટે ટ્રાન્સપોર્ટ જેવી સેવાઓ નિઃશૂલ્ક પુરી પાડવામાં આવે છે.

આયુષ્માન ભારત (PM-JAY): આ યોજના અંતર્ગત લાયક પરિવારને હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ મળે છે. હાઈ રિસ્ક પ્રેગ્નેન્સી, ઈમરજન્સી હોસ્પિટલાઈઝેશન અને જરૂરિયાત જણાય તો સી-સેક્શન જેવી સુવિધાનો પણ લાભ ળઈ શકાય છે. આ યોજના માટેની પાત્રતા અને તમારા શહેરની હોસ્પિટલોની યાદી વેબસાઈટ pmjay.gov.in પર જઈને જોઈ શકશો.

આંગણવાડી અને ICDS સેવા: ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસ (ICDS) સ્કીમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા સગર્ભા મહિલાઓને સપ્લીમેન્ટ્રી ન્યૂટ્રિશન, હેલ્થ ચેકઅપ અને પોષણ સબંધિત સલાહ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેનો ફાયદો ઉઠાવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA): આ યોજના હેઠળ દર મહિનાના 9 તારીખે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક તપાસની સુવિધા મળે છે. જેમાં હાઈ-રિસ્ક પ્રેગ્નેન્સીની ઓળખ ઉપરાંત આવશ્યક ટેસ્ટ પણ કરવામાં આવે છે.

મિશન ઈન્દ્રધનુષઃ આ યોજના હેઠળ પ્રેગ્નેન્સી દરમિયાન જરૂરી વૅક્સિન આપવામાં આવે છે, જેથી પ્રસુતા માતા અને બાળકને ઈન્ફેક્શનથી બચાવી શકાય. આ ઉપરાંત લક્ષ્ય કાર્યક્રમ (LaQshya initiative)નો હેતુ સરકારી હોસ્પિટલોમાં લેબર રૂમ અને મેટરનિટી કેયરની ક્વૉલિટી સુધારવાનો છે.

ફ્રી એમ્બ્યુલન્સ અને રાજ્ય સરકારની વિવિધ યોજના: અનેક રાજ્યોમાં 102 અને 108 જેવી ફ્રી એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેટલીક રાજ્ય સરકાર ન્યૂટ્રિશન કિટ, વધારાની આર્થિક સહાય અને ફ્રી ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ આપે છે.

જણાવી દઈએ કે, કોઈપણ સરકારી યોજનાનો લાભ લેતા પહેલા તેની પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રક્રિયા વ્યવસ્થિત સમજવી જરૂરી છે. આ માટે તમે સત્તાવાર સરકારી વેબસાઈટ, આંગણવાડી કેન્દ્રો અથવા આશા વર્કરની મદદ લઈ શકો છો.