Telangana-Andhra Pradesh Heatwave: તેલુગુ રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હાલ ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે બંને રાજ્યોમાં મળીને શનિવારે કુલ 67 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં તેલંગાણામાં 51 અને આંધ્રપ્રદેશમાં 16 લોકોના મોતનો સમાવેશ થાય છે.
તેલંગાણામાં સૌથી વધુ 51 મોત, તાપમાન 45 ડિગ્રી પાર
તેલંગાણા રાજ્યમાં ગરમીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. શુક્રવારના રોજ આકરી ગરમીને કારણે 34 લોકોના મોત થયા હતા, જ્યારે શનિવારે રાજ્યના વિવિધ ભાગોમાં હીટસ્ટ્રોકથી વધુ 51 લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ 23 મોત એકલા વારંગલ જિલ્લામાં નોંધાયા છે.
આ ઉપરાંત સંયુક્ત કરીમનગર જિલ્લામાં 11 લોકો, ખમ્મમમાં 7 લોકો, આદિલાબાદમાં 5 લોકો અને નલગોંડામાં 5 લોકોના મોત થયા છે. રાજ્યના 15 જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયું હતું, જેમાં સૌથી વધુ 46.3 ડિગ્રી તાપમાન કોઠાગુડેમ જિલ્લામાં નોંધાયું હતું.
સરકારે કરી વળતરની જાહેરાત અને તાત્કાલિક પગલાં
રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જાહેરાત કરી છે કે, હીટસ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે સચિવાલયમાં ઇમરજન્સી બેઠક યોજી હતી અને કલેક્ટરોને હીટવેવની સ્થિતિ પર નજર રાખવા તેમજ સ્ટાફને ફિલ્ડ પર રહેવા સૂચના આપી છે.
મંત્રી પોંગુલેટી રેડ્ડીએ આદેશ આપ્યો છે કે બસ સ્ટેન્ડ, બજારો, મુખ્ય રસ્તાઓ અને જ્યાં મજૂરો વધુ કામ કરતા હોય તેવા વિસ્તારોમાં ઠંડુ પાણી, છાશ અને ORS પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે જ, પક્ષીઓ અને પ્રાણીઓની રક્ષા માટે પાણીની ટાંકીઓ અને માટીના વાસણો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ebola: 'કોંગો-યુગાન્ડાની યાત્રા ટાળો', ઈબોલાના પ્રકોપ વચ્ચે ભારત સરકારે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી
આંધ્રપ્રદેશમાં ગરમીના કારણે હાહાકાર, 16 લોકોના મોત
બીજી તરફ આંધ્રપ્રદેશમાં પણ ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. શનિવારે અલગ-અલગ વિસ્તારોમાં હીટ સ્ટ્રોકથી 16 લોકોના મોત થયા હતા. જેમાંથી 12 મોત માત્ર NTR, કૃષ્ણા અને ગુંટુર જિલ્લામાં જ થયા છે. વિજયવાડાના પંડિત નહેરુ બસ સ્ટેશન પર હીટ સ્ટ્રોકના કારણે ત્રણ મુસાફરોના મોત થયા હતા.
આંધ્રપ્રદેશમાં ગરમીનો ભોગ બનનાર લોકોમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીનો સમાવેશ થાય છે. જેમાં 94 વર્ષીય વૃદ્ધ કડિયાલા બલૈયાથી લઈને 26 વર્ષીય મોહમ્મદ અબિદુન્નિસા અને 28 વર્ષીય દિવ્યાંગ સત્યનારાયણ પણ ગરમીનો શિકાર બન્યા છે. વધુમાં સત્યનારાયણપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 60 વર્ષીય અજાણ્યા વ્યક્તિનું અને પેનામલુરુ મંડળમાં 45 વર્ષના એક ભિખારીનું પણ લૂ લાગવાથી મોત થયું છે.
