Semiconductor Unit: અમેરિકન ચીપ ઉત્પાદક માઈક્રોનના હાઈ-એન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની નિર્માણ કામગીરી સાણંદ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે, જે આગામી સમયમાં ઝડપભેર સાકાર થવા સાથે ભારતનો સૌ પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે.
રિપબ્લિક ટીવી સમિટ 2024 ખાતે બોલતા કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે વર્ષ 2023માં અમેરિકાની ચિપમેકર સાથે થયેલી સમજૂતી બાદ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની પ્રગતિની તૈયારી અંગે માહિતી આપી હતી.
જૂન 2023માં થઈ હતી સમજૂતી
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2023માં માઈક્રોન પ્લાન્ટ માટે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાના પ્રવાસ પર હતા ત્યારે આ સમજૂતી કરવામાં આવી હતી.
5,000 લોકો કામ કરી રહ્યા છે
આ પ્રોજેક્ટના નિર્માણ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સાણંદ ખાતેના માઈક્રોન પ્લાન્ટના નિર્માણ માટે આશરે 5,000 લોકો કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024ના અંત ભાગ સુધીમાં કાર્યરત થાય તેવી શક્યતા છે.
2.5 અબજ ડોલરનું રોકાણ
માઈક્રોને અગાઉ જણાવ્યું હતું કે તે ધીમે ધીમે વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને પોતાની ક્ષમતામાં વધારો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે માઈક્રોન ટેકનોલોજી સાણંદ GIDC-IIમાં ATMP સ્થાપવા માટે 2.5 અબજ ડોલરનું રોકાણ કરી રહી છે.
માઈક્રોન ટેકનોલોજી એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી સ્થાપશે, જ્યાં તે બોલ ગ્રિડ એરી (BGA) ઈન્ટીગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ તથા સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્સમાં ટ્રાન્સફોર્મિંગ વેફર્સ પર ધ્યાન કેન્દ્રીત કરશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના સંપૂર્ણ સહકાર અને મદદની ખાતરી આપી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
