Ahmedabad: ગાંધીધામના 13.55 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના મુખ્ય આરોપી મોનુ સંધીની ધરપકડ, દુબઈથી અમદાવાદ આવેલા આરોપીને SOGએ ઝડપ્યો

મોનુ સિંધી છેલ્લા બે વર્ષથી કચ્છમાં ગુનો આચરીને દુબઈમાં છુપાયેલો હતો. તે ક્રિકેટ સટ્ટાના પૈસા લેવા માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને એરપોર્ટ નજીકની એક હોટેલમાં રોકાયો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 31 Aug 2025 08:40 AM (IST)Updated: Sun 31 Aug 2025 08:40 AM (IST)
gandhidham-cricket-betting-case-main-accused-monu-sandhi-arrested-by-sog-after-returning-from-dubai-594559
HIGHLIGHTS
  • મોનુ સિંધી અને તેનો ભાઈ નરેશ સંગતાણી ભાડાનાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરતા હતા.
  • આ કેસમાં મોનુનો ભાઈ નરેશ અગાઉથી જ પકડાઈ ચૂક્યો છે અને હાલ જેલમાં છે.

Ahmedabad News: ગાંધીધામમાં નોંધાયેલા રૂપિયા 13.55 કરોડના ક્રિકેટ સટ્ટાના રેકેટના મુખ્ય આરોપી મોનુ સિંધીને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મોનુ સિંધી છેલ્લા બે વર્ષથી કચ્છમાં ગુનો આચરીને દુબઈમાં છુપાયેલો હતો. તે તાજેતરમાં ક્રિકેટ સટ્ટાના પૈસા લેવા માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને એરપોર્ટ નજીકની એક હોટેલમાં રોકાયો હતો. પોલીસને બાતમી મળતાં SOGએ તાત્કાલિક કાર્યવાહી કરી તેને હોટેલ મહેર ઇનમાંથી પકડી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોનુ સિંધી અને તેનો ભાઈ નરેશ સંગતાણી ભાડાનાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરતા હતા. ગાંધીધામના આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આ બંને ભાઈઓએ 19 ભાડાનાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં મોનુનો ભાઈ નરેશ અગાઉથી જ પકડાઈ ચૂક્યો છે અને હાલ જેલમાં છે. મોનુ સિંધી દુબઈથી આવ્યો હતો અને 3 સપ્ટેમ્બરના રોજ તેની રિટર્ન ટિકિટ પણ હતી, પરંતુ પોલીસે તેને સમયસર પકડી પાડ્યો હતો.

આ આરોપીઓ પોતાનું રેકેટ ચલાવવા માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરતા હતા. મોનુ સિંધી રૂપિયા 8,000ના ભાડે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને તેમાં રજિસ્ટ્રેશન કરવા માટે મુંબઈથી સિમ કાર્ડ ખરીદતો હતો. તે એકાઉન્ટધારક પાસેથી ડેબિટ કાર્ડ, ચેકબુક અને પાસબુક જેવી જરૂરી વસ્તુઓ પણ લઈ લેતો હતો. ત્યાર બાદ, તે દુબઈમાં બેઠા બેઠા ગૂગલ પેના QR કોડ મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. આ રીતે મોનુ, તેના ભાઈ અને અન્ય સાગરિતો સાથે મળીને સાઇબર ફ્રોડની એક મોટી સ્કીમ ચલાવતા હતા. આખરે કચ્છ પોલીસે અમદાવાદ આવીને મોનુ સિંધીની ધરપકડ કરી તેને આગળની કાર્યવાહી માટે સાથે લઈ ગઈ હતી.