Ahmedabad: લોકોમાં વધતી જાગૃતિ અને સિવિલ હોસ્પિટલની સજ્જતાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સિલસિલો વેગવાન બન્યો છે. બુધવારે વધુ એક અંગદાન સાથે કુલ અંગદાનનો આંક 211એ પહોંચ્યો છે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અનિલભાઈ વાઘેલા 31મી ઑગસ્ટના રોજ પોતાના ઘરે જ કોઈ કારણસર બેભાન થઈને ઢળી પડતાં તેમને સૌથી પહેલા એલ.જી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા. સ્થિતિ ગંભીર જણાતાં વધુ સઘન સારવાર માટે એ જ દિવસે તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલી સપ્ટેમ્બરે ડોક્ટરોએ અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા અનિલભાઇ વાઘેલાની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સિવિલ હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની બેલાબહેન તેમજ અન્ય હાજર સગાઓને સમજાવવામાં આવ્યા. પરિવારજનોએ અનિલભાઈનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ અંગે જણાવે છે કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ 211 અંગદાન થયા છે . જેના દ્વારા કુલ 699 અંગોનું દાન મળ્યું છે.
અનિલભાઇ વાઘેલાના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 186 લીવર, 386 કીડની, 17 સ્વાદુપિંડ, 68 હૃદય, 6 હાથ, 34 ફેફસાં, 2 નાનાં આંતરડાં, 144 ચક્ષુ તથા 23 ચામડીનું દાન મળ્યુ છે.
ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ છેલ્લાં ચાર વર્ષ કરતાં વધારે સમયથી ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે, પરંતુ જો અંગો ની પ્રતીક્ષામાં રાહ જોતા દર્દીઓના વેઇટિંગ લિસ્ટની વાત કરવામાં આવે તો રાજ્ય તેમજ દેશમાં તેનું લિસ્ટ ઘણું લાંબુ છે અને રોજ આવા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.
આવી પરિસ્થિતિમાં માત્ર સિવિલ હોસ્પિટલ અમદાવાદ નહીં પરંતુ રાજ્યના તમામ ખૂણામાં આવેલી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો કે જે આઈસીયુ બેડ ધરાવે છે, તેઓ પણ આ દિશામાં કામ કરે તે ખૂબ જ જરૂરી છે. આખા રાજ્યમાંથી દરરોજ ઓછામાં ઓછું રોજ એક અંગદાન થાય તેવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ, જેથી કરીને અંગોની પ્રતીક્ષામાં કોઈપણ દર્દીને મૃત્યુને વહાલું ન કરવું પડે.