BJP Action Plan In MP: કેમ મોહન, જગદીશ અને રાજેન્દ્રને સોંપી મધ્યપ્રદેશની કમાન; જાણો શું છે ભાજપનો ગેમપ્લાન

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 11 Dec 2023 06:48 PM (IST)Updated: Mon, 11 Dec 2023 07:04 PM (IST)
why-mohan-became-cm-in-madhya-pradesh-jagdish-and-rajendra-handed-over-the-responsibilities-of-madhya-pradesh-know-what-is-bjps-gameplan

BJP Action Plan In MP: ભાજપે ફરી એક વખત સૌને ચોંકાવતા એવા નામોને રાજ્યની કમાન સોંપી છે જે અંગે ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હતું. મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે, તો જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી CM બનાવ્યા છે. સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં શિવરાજ સિંહે ચૌહાણ દ્વારા પ્રસ્તાવ રાખવામાં આવ્યા બાદ સર્વસહમતિથી મોહન યાદવની પસંદગી કરાઈ છે.

ભાજપે આ ત્રણેય નેતાઓ થકી એક સાથે અનેક સમીકરણ સાધવાન પ્રયાસ કર્યા છે. મધ્યપ્રદેશના ભૂગોળ અને જાતિય કેમેસ્ટ્રીની મદદથી 2024 લોકસભા ચૂંટણી પહેલા ગણિતને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. મોહન યાદવ દક્ષિણ ઉજ્જૈનથી ધારાસભ્ય છે, જ્યારે જગદીશ દેવડા મંદસૌર અને રાજેન્દ્ર શુક્લા રીવાથી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. આ ત્રણેય નેતાઓ થકી ભાજપે માલવા-નિમાડથી લઈને મહાકૌશલ સુધીના વિસ્તારને સાધવાનો પ્રયાસ કર્યો છે.

જાતિગત સમીકરણ પણ સાધ્યું
ભાજપે મોહન યાદવ, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા થકી 2024 પહેલા જાતિગત સમીકરણને પણ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. એક દિવસ પહેલા જ છત્તીસગઢમાં આદિવાસી ચહેરાને કમાન આપીને ભાજપે ત્યાં અનુસૂચિત જનજાતિ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કર્યો તો મધ્યપ્રદેશમાં ઓબીસી સમાજથી આવતા મોહન યાદવને કમાન આપી છે. જગદીશ દેવડા એસસી વર્ગમાંથી આવે છે. આ ઉપરાંત સામાન્ય વર્ગથી આવતા રાજેન્દ્ર શુક્લાને પણ ઉપમુખ્યમંત્રી બનાવીને સવર્ણોને પણ સંતુષ્ટ કર્યા છે.

દેશમાં હાલ 45 ટકાની આસપાસ ઓબીસી વોટર છે, તેમાં પણ હિન્દી રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશમાં 54 ટકાની આસપાસ આ સમાજની ઉપસ્થિતિ છે. ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં 44 ટકા ઓબીસી વોટ મેળવ્યા હતા એવામાં ફરી એકવખત 2024ના રણ પહેલા પાર્ટી મોટા સ્તરે ઓબીસી પોલિટિક્સ રમી રહી છે. મોહન યાદવની તાજપોશી તે અંતર્ગત જ કરવામાં આવી છે.

અખિલેશ-તેજસ્વીને રાજકીય સંદેશ આપવા યાદવ કાર્ડ
મોદી-શાહ જ્યારે પણ કોઈ નિર્ણય લે છે તો તેના પરિણામ જરુરથી દેખાય છે. દરેક લોકો તે વાતનો ઉલ્લેખ તો કરે છે કે મોહન યાદવ મોટા ઓબીસી ચહેરો છે પરંતુ તે સમજવું જરુરી છે કે તેઓ એક યાદવ પણ છે. એટલે કે યાદવ વોટરને ડાયરેક્ટલી ભાજપ માટે સાધી શકે છે. હાલ બિહારમાં લાલુપ્રસાદના RJD તરફ યાદવ વોટર્સ ઝુકાવ રાખે છે તો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની આ પરંપરાગત વોટબેંક છે. હવે એક યાદવ મુખ્યમંત્રી બનાવીને ભાજપે બિહારમાં તેજસ્વીને તો યુપીમાં અખિલેશને રાજકીય સંદેશ આપવાનું કામ કર્યું છે.

સંગઠનને મહત્વ
ભાજપે મધ્યપ્રદેશમાં એક વખત સંગઠન પ્રત્યે વફાદારીને મહત્વ આપ્યું છે. મોહન યાદવ, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ત્રણેય નેતા RSSના જૂના નેતા છે અને ભાજપમાંથી લાંબા સમયથી જમીની સ્તરે કામ કરતા રહ્યાં છે. ભાજપે ફરી એકવખત કેડરને એવો સંદેશ આપ્યો છે કે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનાર કોઈ પણ કાર્યકર્તાને ઉંચામાં ઉંચું પદ મળી શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.