Vadodara: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. જાંબુવા બ્રિજથી લઈને પુનિયાદ સુધી આશરે 15 કિમી લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે.
વરસાદ શરૂ થતાં જ જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર સાંકડા રસ્તા અને ખાડાઓને કારણે વાહન વ્યવહાર ધીમો પડી જતાં વાહનચાલકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. ટ્રાફિકમાં ફસાયેલા વાહનોમાં એમ્બ્યુલન્સો પણ સામેલ હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.
આ પણ વાંચો
વાહનચાલકોનો આક્ષેપ છે કે, દર વર્ષે ચોમાસામાં ખાડા પૂરવાના કામ છતાં રસ્તાની ખરાબ હાલત યથાવત રહે છે. ટોલ ટેક્સ વસુલતા હોવા છતાં સારા રસ્તા ન હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે, જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે. આજે સવારથી ટ્રાફિકજામને કારણે હોસ્પિટલ જતાં દર્દીઓ તથા કામસર નીકળેલા લોકો કલાકો સુધી અટવાઈ ગયા હતા.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ સહિત વાહનોની લાંબી કતારો ડ્રોન કેમેરામાં કેદ pic.twitter.com/x73XoezJJ2
— Gujarati Jagran (@gujaratijagran) September 4, 2025
જાંબુવા બ્રિજ પરથી દરરોજ એક લાખથી વધુ વાહનો પસાર થાય છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તેમજ મુંબઈ તરફ જતા મુસાફરો, કામદાર અને વેપારીઓનો સમાવેશ થાય છે. વારંવાર જામ સર્જાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ઝડપથી રસ્તાનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી રહી છે.
ડ્રોન દ્વારા લેવામાં આવેલા દૃશ્યોમાં લાંબી વાહનોની કતાર સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કામ પૂર્ણ ન થાય તો આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.