Ahmedabad: શહેરના સત્તાધાર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન બાબતે માથાકૂટ થતાં કપાતર પુત્રએ બેરહેમીથી મુક્કા મારીને પોતાની સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મામલે મૃતકની પુત્રીએ પોતાના જ ભાઈ વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે સત્તાધાર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ સોલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેનો ભાઈ વ્રજ (31) સ્ટૂડન્ટ વિઝા પર કેનેડામાં હતો. છેલ્લા એક વર્ષથી વ્રજ ભારત આવી ગયો છે અને અહીં કોઈ કામધંધો કરતો નહતો.
વ્રજ અવારનવાર માતા પારુલબેન સાથે પોતાના લગ્ન કરાવી આપવા બાબતે માથાકૂટ કરતો હતો. મારા લગ્ન માટે તમે કોઈ છોકરી શોધતા નથી, કહીને વ્રજ માતા સાથે જીભાજોડી કરતો હતો.
આજથી 5 દિવસ અગાઉ પણ લગ્ન બાબતે વ્રજ અને પિતા મયંક વચ્ચે તકરાર થઈ હતી. આ સમયે ફરિયાદી યુવતી વચ્ચે પડતાં વ્રજે પરફ્યુમની બોટલ બહેનને છૂટી મારી હતી.
ગઈકાલે પણ રાતના સમયે વ્રજ માતા પારુલબેન સાથે મારા લગ્ન માટે છોકરી કેમ શોધતા નથી? તેમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે આવેશમાં આવીને વ્રજે માતાને પેટના ભાગે બેરહેમીથી મુક્કા મારતા પારુલબેન પેટ પકડીને રડવા લાગ્યા હતા.
આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને 108ની એમ્બ્યુલન્સમાં પારુલબેનને સારવાર માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે પારુલબેનનું મોત થયું છે. હાલ તો આ મામલે સોલા પોલીસે હત્યારા વ્રજ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
લગ્ન ના થતાં પુત્રએ માતાની હત્યા બાદ પોતે પણ જિંદગી ટૂંકાવી
ગત જુલાઈ મહિનામાં પણ અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં GLS કૉલેજના પ્રોફેસર મૈત્રેય ભગત 43 વર્ષ થવા છતાં પોતાના લગ્ન ના થતાં ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આથી તેમણે ચપ્પાના આડેધડ ઘા ઝીંકીને માતા દત્તાબેન (72)ની હત્યા કર્યાં બાદ ડ્રોઈંગ રૂમના પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતુ.