Asia Cup 2025: એશિયા કપ દરમિયાન શ્રીલંકાના ખેલાડીના પિતાનું નિધન, મેચ પત્યા બાદ કોચે આપ્યા સમાચાર

મેચમાં જીત મેળવવા છતાં શ્રીલંકાની ટીમમાં શોકનો માહોલ છવાઈ ગયો. ટીમના યુવા ઓલરાઉન્ડર દુનિથ વેલાલગેના પિતા સુરંગા વેલાલેજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 19 Sep 2025 11:08 AM (IST)Updated: Fri, 19 Sep 2025 11:08 AM (IST)
sri-lanka-spinner-dunith-wellalage-father-dies-during-asia-cup-match-vs-afghanistan

Asia Cup 2025 Dunith Wellalage Father Death: એશિયા કપ 2025 માં ગુરુવારે અફઘાનિસ્તાન સામેની ગ્રુપ બી મેચમાં જીત મેળવવા છતાં શ્રીલંકાની ટીમમાં શોકનો માહોલ છવાઈ ગયો. ટીમના યુવા ઓલરાઉન્ડર દુનિથ વેલાલગેના પિતા સુરંગા વેલાલેજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે દુનિથ વેલાલગે મેદાન પર પોતાની ટીમ માટે રમી રહ્યા હતા.

મેદાન પર ખેલાડીને મળ્યા નિધનના સમાચાર

મેચ પૂરી થયા પછી ટીમના કોચ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાએ મેદાન પર જ દુનિથ વેલાલગેને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે જયસૂર્યા દુનિથ વેલાલગે પાસે આવે છે, તેમના ખભા પર હાથ મૂકીને સાંત્વના આપે છે અને તેમના પિતાના નિધનની જાણ કરે છે. સમાચાર સાંભળીને દુનિથ વેલાલગે ખૂબ જ ભાવુક દેખાયા હતા.

દુનિથના પિતા સુરંગા વેલાલગે પોતે પણ એક ક્રિકેટર હતા અને તેમણે પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજની ટીમની કેપ્ટનશીપ કરી હતી. જોકે તેમને ક્યારેય શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો ન હતો.

મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ શ્રીલંકાના ક્રિકેટર રસેલ અર્નાલ્ડે પણ લાઇવમાં આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે દુનિથ વેલાલગેના પિતા સુરંગાનું હમણાં જ નિધન થયું. સમાચાર અત્યારે જ દુનિથને આપવામાં આવ્યા છે. આ અત્યંત દુઃખદ છે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. ટીમનો ડ્રેસિંગ રૂમ એક પરિવાર જેવો છે. આશા છે કે આ ઘટના ટીમને વધુ મજબૂત બનાવશે અને તેઓ સુપર 4 માં સારું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો:

અફઘાનિસ્તાન સામેની આ મેચમાં દુનિથનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. તેમણે ચાર ઓવરમાં 49 રન આપ્યા અને માત્ર એક વિકેટ મેળવી શક્યા. જોકે શ્રીલંકાએ મેચ જીતીને સુપર 4 માં સ્થાન મેળવી લીધું હતું. શ્રીલંકાએ 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 169 રનનો લક્ષ્યાંક હાંસલ કરી જીત મેળવી લીધી હતી.