Women's Asia Cup 2026: શેફાલી વર્માની આક્રમક અર્ધશતકીય ઇનિંગ અને ટીમની સ્પિનરોની ઘાતક બોલિંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2026ના સેમિફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય સાથે જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એશિયા કપમાં ભારતે 10મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.
શેફાલી વર્માની તોફાની બેટિંગ અને ભારતનો સ્કોર
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે પિચ મુશ્કેલ સાબિત થઈ હતી અને મોટાભાગના બેટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓપનર શેફાલી વર્માએ એકાએક વિપરીત પરિસ્થિતિમાં બાજી સંભાળી અને માત્ર 40 બોલમાં 3 છગ્ગાની મદદથી 160ની સ્ટ્રાઇક રેટ સાથે શાનદાર 64 રન બનાવ્યા. બાંગ્લાદેશી ફિલ્ડરોની નબળી ફિલ્ડિંગને કારણે શેફાલીને 6, 11 અને 56 રનના અંગત સ્કોર પર જીવનદાન મળ્યું હતું.
મધ્યમ ક્રમનો સંઘર્ષ અને કેપ્ટન હરમનપ્રીતની ઇનિંગ
ભારતના ટોચના ચારેય બેટ્સમેનોની સ્ટ્રાઇક રેટ 100થી ઓછો રહ્યો હતો. પાવરપ્લે બાદ મધ્ય ઓવરોમાં રન ગતિ વધારવી મુશ્કેલ બની હતી. ઋચા ઘોષે 16 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું. શરૂઆતમાં લાંબા સમય સુધી લય મેળવવા ઝઝૂમેલી કેપ્ટન હરમનપ્રીત કૌરે અંતિમ ચરણમાં શાનદાર બેટિંગ કરતા સતત બે છગ્ગા ફટકાર્યા હતા અને અણનમ 24 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે નિર્ધારિત ઓવરોમાં 6 વિકેટે 149 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
શ્રીચરણીની ઐતિહાસિક સિદ્ધિ: ટી-20માં 50 વિકેટ પૂરી
150 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમની શરૂઆત સારી રહી હતી અને તેમણે પ્રથમ વિકેટ માટે 26 રન જોડ્યા હતા. ભારતીય બોલર શ્રીચરણીએ ઓપનર જુએરિયા ફર્દોસ (14 રન)ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે જ શ્રીચરણીએ મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 વિકેટો પૂરી કરી લીધી છે. તે આ સિદ્ધિ (29 મેચોમાં) મેળવનાર વિશ્વની ચોથી સૌથી ઝડપી બોલર બની ગઈ છે.
દીપ્તિ શર્માની ધારદાર બોલિંગ અને મેચનું પરિણામ
ભારતીય સ્પીનરોની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશી બેટ્સમેન લાંબો સમય ટકી શકી ન હતી. અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ કરતા મહત્વની 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ દીપ્તિ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ (10 વિકેટ) મેળવનાર બોલર પણ બની ગઈ છે. અંતિમ ઓવરોમાં ઉત્તમ શિસ્તબદ્ધ બોલિંગના બળે ભારતે આ મેચ 40 રને જીતી લીધી હતી અને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.
