Cricket News: એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ 2026ની (Asia Cup Rising Stars 2026) રોમાંચક ફાઈનલ મેચમાં રવિન્દુ ફર્નાન્ડો અને ગરુકા સંકેતની ઘાતક બૉલિંગ બાદ નિશાન મદુશ્કાની શાનદાર ઈનિંગની મદદથી શ્રીલંકા-એ ટીમ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બની ગઈ છે. આ સાથે જ પવન રત્નાયકેની કેપ્ટનશિપમાં શ્રીલંકાની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અજય રહેલી પાકિસ્તાનની ટીમને હરાવીને ટ્રોફી પર કબજો જમાવી લીધો છે.
લંકન બૉલરોએ પાકિસ્તાનની બેટિંગ લાઈનઅપ વેરવિખેર કરી નાંખી
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી નહતી રહી, કારણ કે માત્ર 13 રનના સ્કોર પર માજ સદાકત આઉટ થઈ ગયો હતો. જે બાદ શમીલ હુસૈન અને શાહજેબ ખાન સંભાળીને બેટિંગ કરતાં હતા.
જો કે શમીલ પર 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે શાહજૈબે 91 બોલમાં 60 રન બનાવ્યા હતા. જે બાદ એક પછી એક પાકિસ્તાનની વિકેટો પડતી ગઈ અને આખી ટીમ 50 ઑવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 216 રન જ બનાવી શકી હતી. આમ પાકિસ્તાનની ટીમે ફાઈનલમાં જીતવા માટે શ્રીલંકાને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ફાઈનલ મેચમાં શ્રીલંકા એના બૉલરોનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ. લંકન બૉલરો શરૂઆતથી જ પાકિસ્તાની બેટ્સમેનો પર હાવિ જોવા મળ્યા હતા. ટીમના રવિન્દુ ફર્નાન્ડો અને ગરુકા સંકેતે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે વનુજા સહનને 2 વિકેટ મળી હતી. જેના કારણે પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ નીવડી હતી.
એક વિકેટ અને એક રનના કારણે રસાકસીનો જંગ જામ્યો
217 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પણ જીતવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આજે મેચમાં ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. છેલ્લે સુધી શ્રીલંકાને જીતવા માટે એક રનની જરૂર હતી, જ્યારે પાકિસ્તાનને એક વિકેટની જરૂર હતી. જો કે લાહિરૂ સમરાકૂને પાકિસ્તાની બોલર હસન નવાજના બૉલ પર ફોર ફટકારીને શ્રીલંકા એ ટીમને જીતાડી દીધુ હતું. શ્રીલંકા એ ટીમે 41.3 ઑવરમાં જ 9 વિકેટ ગુમાવીને 217 રન બનાવીને પાકિસ્તાન એને માત્ર એક વિકેટે હરાવીને રાઈઝીંગ સ્ટાર્સ એશિયા કપનું ચેમ્પિયન બની ગયું છું.
શ્રીલંકા એની જીતમાં નિશાન મદુષ્કાની મુખ્ય ભૂમિકા રહી, જેણે 6 ફૉર અને 2 સિક્સની મદદથી 87 રન ફટકાર્યા હતા. જ્યારે ટીમના કપ્તાન પવન રત્નાયકે 30 રન બનાવ્યા હતા. એક સમયે શ્રીલંકાની જીત નિશ્ચિત મનાતી હતી, પરંતુ મદુષ્કાના આઉટ થતાં જ ટીમની બેટિંગ લાઈનઅપ વેરવિખેર થવા લાગી હતી અને જોતજોતામાં 198 રનમાં 9 વિકેટો પડી ગઈ હતી.
પૂંછડિયા ખેલાડીઓએ પાકિસ્તાન પાસેથી જીત આંચકી લીધી
જે બાદ લાહિરૂ સમરાકૂન અને ગરુકા સંકેતે અંતિમ વિકેટ માટે 22 રનની પાર્ટનરશિપ કરીને પાકિસ્તાનના મોંઢામાં આવેલો જીતનો કોળિયો છીનવી લીધો હતો. આ બન્ને પૂંછડિયા બેટ્સમેનોએ દબાણ વચ્ચે પણ સંયમ દાખવીને શ્રીલંકાનો સ્કોર 220 સુધી પહોંચાડીને ચેમ્પિયન બનાવી દીધુ.
