Cricket News : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (Syed Mushtaq Ali Trophy) રેલવે તરફથી રમતા 23 વર્ષીય બોલર જમશેદ આલમે (Jamshed Alam) પોતાની ડેબ્યુ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
પોતાની ટી-20 કરિયરની પ્રથમ મેચમાં જ સૌરાષ્ટ્ર સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને તેમણે ખાસ સિદ્ધિ મેળવી છે. આ સાથે આ સિદ્ધિ હાંસલ કરનાર જમશેદ આલમ તેઓ ત્રીજા ભારતીય બોલર બન્યો છે. આ ઉપરાંત ડેબ્યુ મેચમાં જ પાંચ વિકેટ લેવાની કમાલ પણ તેમણે કરી બતાવી, જેની મદદથી રેલવેએ સૌરાષ્ટ્રને હરાવીને વિજય મેળવ્યો.
સતત 4 બૉલમાં 4 વિકેટ ઝડપનાર જમશેદ ત્રીજો બૉલર બન્યો
અગાઉ ઉત્તર પ્રદેશ ટી-20 લીગ અને ટી-20 મુંબઈ લીગમાં રમી ચૂકેલા જમશેદ આલમ માટે રેલવેની સિનિયર ટીમમાં આ પહેલી તક હતી. સૌરાષ્ટ્ર સામે રમતા તેમણે પોતાના પ્રથમ સ્પેલની શરૂઆતમાં જ સતત ચાર બોલ પર વિકેટ લઈને સૌરાષ્ટ્રની બેટિંગ લાઈનઅપને વેરવિખેર કરી નાંખી હતી.
સૌરાષ્ટ્રની ઇનિંગના ચોથા ઓવરમાં ત્રીજા બોલે હાર્વિક દેસાઈ, ચોથા બોલે પ્રેરક માંકડ, પાંચમા બોલે રુચિત આહિર અને છઠ્ઠા બોલે સમર ગજ્જરને પેવેલિયન ભેગા કરીને તેમણે આ યાદગાર સિદ્ધિ હાંસલ કરી હતી.
જમશેદ આલમ પહેલા નવેમ્બર 2019માં કર્ણાટકના બૉલર અભિમન્યુ મિથુને હરિયાણા સામેની મેચમાં 20મી ઑવરમાં સતત ચાર વિકેટ ઝડપીને આ કમાલ કરી હતી. જે બાદ નવેમ્બર 2021માં વિદર્ભના દર્શન નાલકાંડેએ પણ કર્ણાટક સામે 20મીં ઓવરમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ખેરવી હતી.
જમશેદ આલમે પોતાના સ્પેલની પ્રથમ ઑવરમાં જ 4 વિકેટ ઝડપી
જો કે જમશેદ આલમે પોતાના બોલિંગ સ્પેલના પહેલા જ ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં જમશેદ આલમે પોતાની ચાર ઓવરના સ્પેલમાં 38 રન આપીને કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ જમશેદ આલમ મેન્સ ટી-20 ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં જ પાંચ વિકેટ ઝડપનાર છઠ્ઠો ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
જમશેદ આલમ ઉત્તર પ્રદેશ T20 લીગમાં મેરઠ મેવરિક્સ તરફથી રમી ચૂક્યો છે. આ ઉપરાંત રેલવે તરફથી અંડર-23 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ 'સી.કે. નાયડુ ટ્રોફી'માં પણ તેઓ રમ્યા છે. આ વર્ષની શરૂઆતમાં 'ટી-20 મુંબઈ લીગ' દરમિયાન 'આકાશ ટાઈગર્સ MWS' તરફથી મેદાનમાં ઉતર્યા હતા.
આ મેચમાં રેલવેએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 182 રન નોંધાવ્યા હતા. તેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ આઠ વિકેટ ગુમાવીને 153 રન સુધી જ પહોંચી શકી હતી, જેના કારણે રેલવેનો 29 રને વિજય થયો હતો.
