Vadodara: બાળપણની એક રમતિયાળ પ્રવૃત્તિને ધીમે ધીમે પોતાના શોખમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિમાં પરિવર્તિત કરનાર વડોદરાના 24 વર્ષીય દૃષ્ટિબાધિત ચેસ ખેલાડી અનિકેત પટણીએ (Aniket Patni) ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદ ખાતે 23 થી 26 નવેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ ઓપન FIDE રેટિંગ ચેસ ટુર્નામેન્ટ ફોર ધ વિઝ્યુઅલી ઇમ્પેર્ડમાં (National Open FIDE Rating Chess Tournament) અનિકેતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 13 રાજ્યોના આશરે 150 ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં અનિકેતે 7.5 પોઈન્ટ મેળવી દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.
આ પણ વાંચો
સંપૂર્ણ દૃષ્ટિબાધિત અનિકેત વર્ષ 2017થી ચેસ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે રાજ્યકક્ષાની અનેક ચેસ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો છે. તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલી નેશનલ ટીમ ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
પોતાની ચેસ સફરની શરૂઆત વિશે વાત કરતાં અનિકેત જણાવે છે કે, શાળાના દિવસોમાં હું ખૂબ તોફાની હતો. મારી એકાગ્રતા વધે અને મારી ઊર્જાને યોગ્ય દિશા મળે તે હેતુથી સંકુલ શાળાના શિક્ષકોએ મને ચેસ રમવા માટે પ્રેરિત કર્યો હતો. ધીમે ધીમે મને આ રમત પ્રત્યે ઊંડો રસ જાગ્યો અને શિક્ષકો, કોચ તથા શુભેચ્છકોના સહયોગથી મેં ચેસ રમવાનું સતત ચાલુ રાખ્યું.
પોતાની આ સફળતાનો શ્રેય માર્ગદર્શક અને કોચ અશ્વિન મકવાણાને આપતાં અનિકેત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ ભારત માટે મેડલ જીતવાનું સ્વપ્ન સેવી રહ્યો છે. અનિકેતની આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ માત્ર રમતગમતની ઉપલબ્ધિ નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત, દૃઢ નિશ્ચય અને રમત પ્રત્યેના અતૂટ જુસ્સાથી પડકારોને સફળતાની સીડીમાં પરિવર્તિત કરી શકાય છે તેનો પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે.
