Surendranagar: ચુડાના ઝોબાળા ગામે ધારદાર હથિયારના આડેધડ ઘા ઝીંકી યુવકની હત્યા, સીમમાંથી લોહીથી લથબથ નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ગામની સીમમાંથી લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો, પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 10:11 PM (IST)Updated: Sun, 29 Nov 2026 10:11 PM (IST)
surendranagar-news-deadbody-found-in-zobala-village-of-chuda

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધારદાર હથિયારના આડેધડ ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારીને અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઝોબાળા ગામમાં રહેતા પ્રફુલ વાઘેલા નામના યુવકની આજે ગામની સીમમાંથી લોહીથી લથબથ નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં લીંબડી DySp સહિત ચુડા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં મૃતકના પિતા રાજેશભાઈએ જણાવ્યું કે, આજે બપોરે પ્રફુલ બજારમાં ગયો, ત્યારે દારૂના નશામાં ધૂત એક યુવક ચાકુની અણીએ તેમના દીકરાને સીમ તરફ લઈ ગયો હતો. જેણે જ પ્રફુલની હત્યા કરી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.