Rajkot: મેહુલનગરમાં ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત, પિતાએ ભણવા બાબતે ઠપકો આપતાં રૂમમાં જઈ ગળેફાંસો ખાધો

રાજકોટમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ માતા-પિતાના ઠપકા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 09:42 PM (IST)Updated: Sun, 29 Nov 2026 09:42 PM (IST)
rajkot-news-std-11th-student-dies-by-suicide-in-mehulnagar

Rajkot News: રાજકોટમાં આપઘાતની વધુ એક ઘટના બની છે. શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે રહેતી અને ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માતા-પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું અને તેને કારણે આ દીકરીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. જોકે, તેને કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સોરઠિયાવાડી સર્કલ નજીક મેહુલનગર મેઈન રોડ પર રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી સાહીમા શેખ ભણવામાં ધ્યાન નહતી આપતી. આથી માતા-પિતાએ સાહીમાને અભ્યાસ અંગે ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા સાહીમાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં 108ની ટીમે સાહીમાને મૃત જાહેર કરતાં શેખ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. હાલ તો ભક્તિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પૂછપરછમાં માતા-પિતાએ સાહીમાને ભણવા બાબતે સામાન્ય ઠપકો જ આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા સાહીમાએ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને અંતિમ પગલું ભરી લીધુ હતુ.