Gandhinagar News: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના NRI (નોન-રેસિડન્ટ ઇન્ડિયન)વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન (NRG ફાઉન્ડેશન) દ્વારા વિદેશમાં લગ્ન સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ, સંભવિત જોખમો અને સાવચેતીના પગલાં અંગે યુવક-યુવતિઓને માહિતગાર કરવા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આ વિષયને લગતા સેમિનાર આણંદ, રાજકોટ અને વડોદરા ખાતે યોજાયા હતા.
ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2013થી 2026 દરમિયાન રાજ્યભરમાં અંદાજે 72 જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યા છે, જેના થકી ગુજરાતના આશરે 29,000 યુવાનોને લાભ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ રાજ્યવ્યાપી અભિયાનનો હેતુ વિદેશમાં લગ્ન અંગે યુવાઓને જરૂરી જ્ઞાન આપીને માહિતગાર અને યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવાનો છે.
ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને અગ્ર સચિવ (NRI) હરીત શુક્લા (IAS)એ જણાવ્યું કે, આ પહેલનો હેતુ વિદેશમાં લગ્નના નામે થતી છેતરપિંડી, ખોટી માહિતી આપવી, લગ્ન બાદ જીવનસાથી દ્વારા ત્યજી દેવા અને વિદેશમાં ઊભી થતી કાયદાકીય મુશ્કેલીઓ અંગે યુવાઓ તથા તેમના પરિવારોને જાગૃત કરવાનો છે. આ અભિયાનમાં ભાવિ જીવનસાથીની પૃષ્ઠભૂમિની ખરાઈ કરવી, સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવી, જે તે દેશના કાયદાઓ સમજવા તેમજ વ્યક્તિઓને ઉપલબ્ધ અધિકારો અને કાયદાકીય ઉપાયોની જાણકારી મેળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.
સેમિનારમાં આવરી લેવાતા મુખ્ય મુદ્દાઓ
- વિદેશમાં લગ્નના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ અંગે કાયદાકીય નિષ્ણાતો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે
- ભાવિ જીવનસાથીની ખરાઈ: વિદેશમાં રહેતા ભાવિ જીવનસાથીની ઓળખ, રહેઠાણ, રોજગાર, વૈવાહિક સ્થિતિ અને ઇમિગ્રેશન સંબંધિત વિગતોની ખરાઈ કરવાના મહત્વ અંગે સમજણ આપવામાં આવે છે.
- લગ્ન સંબંધિત દસ્તાવેજો અને કાયદા: લગ્ન નોંધણી, જરૂરી દસ્તાવેજો, લાગુ પડતા વિદેશી કાયદાઓ તેમજ લગ્ન બાદ પતિ-પત્નીના કાયદાકીય અધિકારો અને જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવે છે.
- છેતરપિંડીથી બચવા સાવચેતી: ખોટી માહિતી, બનાવટી દસ્તાવેજો, નાણાકીય છેતરપિંડી અને અન્ય શંકાસ્પદ પરિસ્થિતિઓ ઓળખવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
- લગ્ન બાદ ઊભી થતી મુશ્કેલીઓ: જીવનસાથી દ્વારા ત્યજી દેવા, ઘરેલુ હિંસા, પાસપોર્ટ અથવા અન્ય દસ્તાવેજો મેળવવામાં અવરોધો અને વિદેશમાં ઊભી થતી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવા અંગે માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત, ઉપલબ્ધ સહાય અને કાયદાકીય ઉપાયો અંગે પણ સમજણ આપવામાં આવે છે.
- સહાય અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા: સંબંધિત સરકારી વિભાગો, ભારતીય દૂતાવાસો અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કેવી રીતે કરવો તેમજ જરૂરિયાત મુજબ કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
છ NRG કેન્દ્રો દ્વારા રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમોનું સંકલન
NRG ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા અને આણંદ ખાતે આવેલા છ NRG કેન્દ્રો મારફતે ગુજરાતભરની કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર યોજવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિદેશમાં લગ્નના કાયદાકીય પાસાઓમાં નિષ્ણાતો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ભાગ લે છે. આ ઉપરાંત, ફાઉન્ડેશનના મામલતદારો અથવા તેમના પ્રતિનિધિઓ ફાઉન્ડેશનની કામગીરી, NRG સંબંધિત પહેલો અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડે છે. વર્ષ 2026-27 દરમિયાન રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ 20 સેમિનાર યોજવાનું ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક કિટ દ્વારા વ્યવહારુ માહિતી પૂરી પાડવામાં આવે છે
આ પહેલના ભાગરૂપે વિદ્યાર્થીઓને NRG ફાઉન્ડેશનની કામગીરી અને વિવિધ પહેલોની વિગતો ધરાવતી માહિતી કિટ આપવામાં આવે છે. આ કિટમાં વિદેશમાં લગ્ન અંગે જાગૃતિ માટે વિદેશ મંત્રાલયની માર્ગદર્શિકા પર આધારિત અનુવાદિત પ્રકાશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનમાં સંબંધિત કાયદાઓ સમજાવવામાં આવ્યા છે તેમજ વિદેશમાં લગ્ન કરવાથી ઊભી થતી કાયદાકીય અસરો અને સંભવિત પડકારોને સમજવામાં મદદરૂપ થાય તેવી વ્યવહારુ માહિતી આપવામાં આવી છે.
યુવાઓમાં કાયદાકીય જાગૃતિ મજબૂત કરવા પર ભાર
આ સતત ચાલી રહેલા જાગૃતિ અભિયાન દ્વારા NRG ફાઉન્ડેશન યુવાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવા, વિદેશમાં લગ્નના નામે થતી સંભવિત છેતરપિંડી સામે સતર્કતા કેળવવા અને ચકાસેલી માહિતી તથા પોતાના કાયદાકીય અધિકારોની સ્પષ્ટ સમજના આધારે યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યું છે.
