Surat: શહેરના વરાછા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ધો.5માં અભ્યાસ કરતી બાળકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે દીકરીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં વિજય કુશવાહ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે, જે પૈકી ધો. 5માં અભ્યાસ કરતી દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
માતા-પિતા બંને કામ અર્થે બહાર ગયા હતા. સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનું હોવાથી તેમને મૂકવા માટે માતા ઘરે આવી, ત્યારે દરવાજો અંદરથી બંધ હતો અને કોઈ ખોલતું નહતુ. આથી માતાએ પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર જોતા દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
દીકરીને નીચે ઉતારી ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂકી હતી. બાળકીએ આ પગલું કેમ ભર્યું તેનાથી પરિવારજનો પણ અજાણ છે અને આપઘાતનું કારણ પણ હાલ સામે આવ્યું નથી. બીજી તરફ વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
આ અંગે બાળકીના પિતાએ જણાવ્યું કે, હું અને મારી પત્ની કામ પર હતા. પત્ની સાંજે 5 વાગ્યે ટ્યુશન માટે મોકલવા ઘરે ગઈ ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જે બાદ ઘરનો દરવાજો તોડીને જોયું તો દીકરીએ આપઘાત કરી લીધો હતો. મને ફોન કરતા હું અમરોલી બાજુ કામ કરવા ગયો હતો અને ત્યાંથી શેઠ મને મૂકવા આવ્યા હતા.
