ગુજરાત કોંગ્રેસ નેતાએ સીમાંકન બિલ પર ઉઠાવ્યા સવાલ-'દેશને શિક્ષકો-ડૉક્ટરોની વધારે જરૂર છે કે સાંસદો-ધારાસભ્યોની'

ગુજરાત કોંગ્રેસના નેતા નિદ્દત બારોટે સીમાંકન બિલ પર સવાલ ઉઠાવ્યા છે, પૂછ્યું છે કે દેશને વધુ શિક્ષકો-ડોકટરોની જરૂર છે કે સાંસદો-ધારાસભ્યોની. તેમણે બિલથી જનતા પર પડનારા આર્થિક બોજ અને તેના બદલે જનકલ્યાણ માટે ભંડોળના ઉપયોગની વાત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 08:41 PM (IST)Updated: Sun, 29 Nov 2026 08:41 PM (IST)
ahmedabad-news-gujarat-congress-leader-nidatt-barot-raises-questions-on-the-delimitation-bill

Ahmedabad: લોકસભામાં સીમાંકન બિલ પાસ કરાવવા માટે તડજોડ શરૂ થઈ ચૂક્યું છે. એક તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી ઈન્ડિ ગઠબંધન બિલનો વિરોધ કરી રહ્યું છે. આ માટે ખડગે અને રાહુલ ગાંધી પોતાના જૂના સાથીઓ એવા શરદ પવાર અને એમકે સ્ટાલિનને મનાવવા માટે દોડતા થઈ ગયા છે.

બીજી તરફ સરકાર તરફથી બિલ પાસ કરાવવા માટે લોકસભામાં બે તૃતિયાંશ સાંસદોની બહુમતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં ગુજરાતના કોંગ્રેસ નેતા નિદ્દત બારોટે સીમાંકન બિલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

દેશને વધુ શિક્ષકો, ડોક્ટરો કે આંગણવાડી કાર્યકરોની જરૂર છે કે સાંસદો અને ધારાસભ્યોની

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિચાર વિભાગના અધ્યક્ષ નિદ્દત બારોટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને સીમાંકન બિલ પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, દેશને વધુ શિક્ષકો, ડોક્ટરો અને આંગણવાડી કાર્યકરોની જરૂર છે કે પછી 2330 વધુ સાંસદો અને ધારાસભ્યોની? સાંસદો અને ધારાસભ્યોની સંખ્યામાં 50 ટકા વધારાથી જનતાની તિજોરી પર દર વર્ષે 7 હજારથી 9 હજાર કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.

 

 

ગુજરાતની વાત કરતા ડૉ. નિદ્દત બારોટે જણાવ્યું કે, નવા સીમાંકન બિલથી ગુજરાતમાં લોકસભાના સાંસદોની સંખ્યા 26થી વધીને 39 અને ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 273 પર પહોંચી જશે. ગુજરાતમાં નવા 91 ધારાસભ્યો પાછળ દર વર્ષે અંદાજે રૂ. 240 કરોડ અને 13 સાંસદો પાછળ 70 કરોડનો વધારાનો ખર્ચો થશે. આમ એક વર્ષમાં ગુજરાતના જનપ્રતિનિધિઓ પાછળ રૂ. 310 કરોડનો ખર્ચ થવાનો અંદાજો છે. આવી જ રીતે લોકસભામાં 272 નવા સાંસદો ઉમેરાવાથી વાર્ષિક 1500 કરોડનો વધારાનો ખર્ચો થશે.

આ રકમનો ઉપયોગ દેશની જનતાના હિત માટે થઈ શકે

ગુજરાતમાં વર્ષે રૂ.310 કરોડના વધારાના ખર્ચનો ઉપયોગ 51,666 આંગણવાડી બહેનોના માસિક માનદ વેતનમાં રૂ. 5 હજારનો વધારો કરી શકાય. 8611 પ્રાથમિક શિક્ષકોને માસિક 30 હજારના પગારથી રોજગારી આપી શકાય. 310 નવી પ્રાથમિક શાળાનું નિર્માણ કરી શકાય. તેમજ 155 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરી શકાય છે.

આવી જ રીતે દેશના દર વર્ષે 9 હજાર કરોડની રકમથી 15 લાખ આંગણવાડી વર્કરો અને તેડાગર બહેનોના માસિક વેતનમાં 5 હજારનો વધારો થઈ શકે છે. 2.5 લાખ પ્રાથમિક શિક્ષકોને માસિક 5 હજારના પગારથી રોજગારી આપી શકાય. 75 હજાર ડોક્ટરોને માસિક 1 લાખના પગારથી જાહેર આરોગ્ય સેવામાં નિયુક્ત કરી શકાય છે.

રૂ. 1 કરોડના અંદાજિત ખર્ચે 9 હજાર નવી પ્રાથમિક શાળાઓનું નિર્માણ કરી શકાય છે. 90 લાખ ગરીબ પરિવારોને વાર્ષિક રૂ. 10 હજારની આર્થિક સહાય આપી શકાય તેમજ 9 લાખ બેરોજગાર યુવાનોને માસિક 8333 જેટલી આર્થિક સહાય આપી શકાય છે.

કોંગ્રેસ મહિલાઓને અનામત આપવાના સમર્થનમાં

વધુમાં ડૉ. નિદ્દત બારોટે જણાવ્યું કે, કોંગ્રેસ મહિલાઓને અનામત આપવાના સમર્થનમાં છે. હાલમાં જ સભ્યો છે, તેમાં 33 ટકા મહિલા અનામત રાખવામાં આવવી જોઈએ.આ માટે સભ્યો વધારીને જનતા ઉપર હજારો કરોડ રૂપિયાનો વધારાનો બોજ નાંખવાની શું જરૂર?