DMKએ સીમાંકન બિલને સમર્થનનું એલાન કરતાં કોંગ્રેસમાં ઘમાસાણ, ખડગે સાથે સોનિયા-રાહુલ સ્ટાલિનને મનાવવા ચેન્નાઈ દોડ્યા

સીમાંકન બિલને DMKના સમર્થનને રોકવા માટે કોંગ્રેસના નેતાઓ સોનિયા, રાહુલ અને ખડગે ચેન્નાઈ પહોંચ્યા છે. જોકે, DMK અધ્યક્ષ સ્ટાલિન મળવા તૈયાર હોવા છતાં, બિલ પ્રત્યેનું તેમનું વલણ બદલવાની શક્યતા ઓછી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 03:46 PM (IST)Updated: Sun, 29 Nov 2026 03:46 PM (IST)
national-news-dmk-announces-support-for-delimitation-bill-sonia-rahul-and-kharge-rush-to-chennai

National News: સીમાંકન બિલ (Delimitation Bill) લોકસભામાં પાસ કરાવવા માટે મોદી સરકારે બે તૃતિયાંશ બહુમત મેળવી લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં નંબર ગેમમાં સતત પાછળ પડી રહેલી કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ છે. હવે કોંગ્રેસ આ બિલને પસાર થતું રોકવા માટે પોતાની પુરી તાકાત લગાવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતની સૌથી મોટી પાર્ટીઓ પૈકી એક DMKને રોકવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હવે કમાન પોતાના હાથોમાં લીધી છે.

NDA સરકારના સીમાંકન બિલને સમર્થન ના આપે તે માટે DMK અધ્યક્ષ એમકે સ્ટાલિનને મળવા માટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આજે જ ચેન્નાઈ પહોંચી ચૂક્યો છે. રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો, કોંગ્રેસ નેતાઓની DMK નેતાઓ સાથેની બેઠક ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કોંગ્રેસ નેતાઓની આ મુલાકાત DMK નેતાઓના ઘરે જ થવાની છે.

DMK અધ્યક્ષ સ્ટાલિન કોંગ્રેસ નેતાઓને મળવા તૈયાર, પરંતુ સ્ટેન્ડ નહીં બદલે

મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસ નેતાઓએ રવિવારે બપોરે સ્ટાલિનને મળવા માટેનો સમય માંગ્યો છે. સ્ટાલિન તેમને મળવા માટે પણ તૈયાર થઈ ગયા છે, પરંતુ DMK પોતાનું વલણ બદલે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે.

DMKના એક નેતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, હવે જ્યારે અમે બિલનું સમર્થન કરવાનો નિર્ણય લઈ લીધો છે, તો તેને બદલવો મુશ્કેલ છે. આમ પણ કોંગ્રેસ અમને બદલામાં શું આપી શકે છે, જ્યારે તેના નેતાઓ હજુ પણ જોસેફ વિજયની સરકારમાં મંત્રી બનીને બેઠા છે.

રાહુલ ગાંધીએ સ્ટાલિનને પોતાનો ભાઈ ગણાવ્યો

ચેન્નાઈમાં સ્ટાલિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, અમે DMKને આગ્રહ કરીશું કે તેઓ સીમાંકન બિલનો વિરોધ કરે. લોકસભા બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાથી ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે. જેનાથી ભાજપ-આરએસએસને સમગ્ર ભારતના રાજકીય નક્શાને પોતાના ફાયદા પ્રમાણે તૈયાર કરવાની ખુલ્લી છૂટ મળી જશે.

પોસ્ટમાં અંતમાં રાહુલે સ્ટાલિનને પોતાના ભાઈ ગણાવતા જણાવ્યું કે, તમે હંમેશા તમિલ વિરોધી તાકાતો વિરુદ્ધ લડતા રહ્યા છો. રાષ્ટ્ર હિતમાં, તમિલનાડુના હિતમાં અને બંધારણની રક્ષા ખાતર આપણે એકજૂટ થઈને આ વિધેયકને અટકાવવું પડશે.

DMKની બન્ને માંગો સરકારે સ્વીકારી લીધી

અગાઉ શુક્રવારે DMKએ બે શરતો સાથે સીમાંકન બિલને સમર્થન આપવાનું એલાન કરી દીધુ હતુ. તેમની પ્રથમ માંગ એ હતી કે, તમામ રાજ્યો માટે લોકસભાની બેઠકોમાં પ્રમાણસર વધારો થવો જોઈએ. અન્ય માંગણી હતી કે, આવનારા 25 વર્ષ સુધી 1971ની વસ્તી ગણતરીના આધાર તરીકે ઉપયોગમાં લેવાનું ચાલું રાખવું જોઈએ. હવે સરકાર DMKની એ બન્ને માંગણીઓ સ્વીકારવા માટે તૈયાર છે. જે બાદ કોંગ્રેસની અધ્યક્ષતા વાળું ઈન્ડિ ગઠબંધન નંબર ગેમમાં ક્યાંય પાછળ પડતું જણાઈ રહ્યું છે. જેના કારણે રાહુલ-સોનિયા અને ખડગે દોડતા થઈ ગયા છે.