National News: મોદી સરકાર લોકસભામાં નવું સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ પસાર કરાવવા માટે રાજકીય તડજોડ કરી રહી છે. આ બિલો ગુજરાત સહિત સમગ્ર દેશના રાજકીય નક્શાને જડમૂળથી બદલી નાંખશે. આગામી 2029ની લોકસભા ચૂંટણી પહેલા આ બન્ને બિલ પાસ થઈ જશે, તો લોકસભા અને વિધાનસભા બન્નેની બેઠકોમાં વધારો થશે.
એવામાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પેશિયલ ઈન્ફોગ્રાફિક શેર કર્યું છે. જેમાં તેમણે સીમાંકન બાદ દેશની લોકસભા કેવી દેખાશે તે દર્શાવ્યું છે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવ અંતર્ગત લોકસભાની કુલ બેઠકો 50 ટકા વધી જશે અને વર્તમાન 543થી વધીને 816 સુધી પહોંચી જશે.
મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટ દ્વારા સીમાંકન બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જે 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. આ નવી ફોર્મુલા અંતર્ગત લગભગ તમામ રાજ્યોની બેઠકોમાં 50 ટકાનો વધારો થશે. જે પૈકી ઉત્તર પ્રદેશ 120 બેઠકો સાથે દેશમાં સૌથી અગ્રેસર રહેશે.
ગુજરાત સહિત પુર્વોત્તર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો રાજકીય નક્શો કેટલો બદલાશે
સીમાંકન બાદ નાના રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ વધવાનું છે. ખાસ કરીને પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરાની બેઠકો 2થી વધીને 3-3 થઈ જશે. જ્યારે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં 1ની જગ્યાએ 2-2 બેઠકો થઈ જશે. આ સિવાય પશ્ચિમ બંગાળની વર્તમાન લોકસભા બેઠકો 42થી વધીને 63 પર પહોંચી જશે.
આવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો, ચંદીગઢ અને પુડુચેરીની બેઠક એકથી વધીને 2-2 થઈ જશે. જો કે લદ્દાખ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ આંદામાન નિકોબારની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં થાય.
જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 26 લોકસભા બેઠકોની સંખ્યા વધીને 39 થઈ જશે. જ્યારે મહારાષ્ટ્રમાં 48 બેઠકો વધીને 72, મધ્ય પ્રદેશની લોકસભા બેઠકો 29થી વધીને 43 તેમજ રાજસ્થાનમાં બેઠકો 25થી વધીને 38 થઈ જશે.
દક્ષિણના રાજ્યોની બેઠકો પર નજર નાંખીએ તો, કર્ણાટકની વર્તમાન 28 લોકસભા બેઠકો વધીને 42, તમિલનાડુની 39 બેઠકો વધીને 59, આંધ્ર પ્રદેશની 25 બેઠકો વધીને 38, તેલંગાણાની 17 બેઠકો વધીને 26 તેમજ કેરલમની 20 બેઠકો વધીને 30 પર પહોંચી જશે.
જણાવી દઈએ કે, નવા સીમાંકન બિલ થકી કાયદામાં સંશોધન કરીને લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકસભા સાંસદોની સંખ્યા વધારીને 850 કરવાની જોગવાઈ છે.
ખાસ વાત એ છે કે, તમામ લોકસભા ક્ષેત્રોનું સીમાંકન 2011ની વસ્તી ગણતરીના આધારે નવેસરથી કરવામાં આવશે. જો કે 2051 સુધીત મામ રાજ્યોની બેઠકોનો રેશિયો 1971ની વસ્તીના આધારે સુરક્ષિત રાખવામાં આવશે. જેથી કોઈ પણ રાજ્યને તેની વસ્તીના આધારે નુકસાન ના થાય.
મહિલા અનામત બિલનો માર્ગ મોકળો
આ સમગ્ર ક્વાયતનો મુખ્ય ઉદ્દેશ્ય 2029ની લોકસભા ચૂંટણી પહેલા લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો છે. અર્જુનરામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આ માત્ર કાયદાનો સુધારો જ નથી, પરંતુ લોકતંત્ર અને રાષ્ટ્ર નિર્માણમાં 'નારી શક્તિ'ને તેમનો અધિકાર અપાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે.
