ભાગળ જૂથ અથડામણઃ અલ્પેશ ઠાકોર પીડિત પરિવારને મળ્યા, ગેંગને ચેતવણી આપતા કહ્યું-'સુધરી જજો, નહીંતર ત્રીજું નેત્ર ખોલીશ'

બનાસકાંઠાના ભાગળ ગામે જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 10 લોકોની ધરપકડ થઈ છે. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારને મળીને મદદની ખાતરી આપી અને ગામની ગેંગને સુધરી જવા ચેતવણી આપી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 06:20 PM (IST)Updated: Sun, 29 Nov 2026 06:20 PM (IST)
banaskantha-news-bhagal-group-clash-alpesh-thakor-met-the-victim-family-warning-the-gang

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે જૂથ અથડામણ બાદ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આજે ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાગળ ગામ પહોંચીને પીડિત પરિવારને મળ્યા હતા. આ સાથે જ તેમણે ગામના હિન્દુઓમાં એકતા જાળવવાની અપીલ કરી હતી.

ભેંસ કાપવાની બાબતમાં બે જૂથ સામ-સામે આવી ગયા

થોડા દિવસ પહેલા કેટલાક લોકો ભેંસને કાપતા હતા. આ સમયે ભાગળ ગામમાં રહેતા ગોદડજી લવાજી નામના શખ્સે ભેંસ કોની છે, તે વિશે પૂછ્યું હતુ. આ બાબતનો ખાર રાખીને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં સામસામે પથ્થરમારા ઉપરાંત મહિલાઓના વાળ ખેંચીને કપડા ફાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ હુમલામાં 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાને પગલે ભાગળ ગામમાં તંગદિલી છવાઈ જવા પામી હતી. પાલનપુર DySp સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ભાગળ ગામ દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે લઘુમતી કોમના 20 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને 10 લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તેમજ કોઈ અનિચ્છિનિય બનાવ ના બને તે માટે ભાગળ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પીડિત પરિવારને મદદની ખાતરી, કહ્યું- કોઈ તમારા ઘર સામે ઊંચી આંખ કરીને નહી જુએ

ભાગળ પહોંચેલા અલ્પેશ ઠાકોર આજે પીડિત ઠાકોર પરિવારને મળ્યા હતા. જ્યાં તેમણે પીડિત પરિવારને તમામ મદદની ખાતરી આપતા જણાવ્યું કે, આજ પછી કોઈ તમારા ઘર સામે ઊંચી આંખ કરીને નહીં જુએ, એવું કરીને જઈશ.

ભાજપ નેતાએ ભાગળ ગામના ઠાકોર સમાજ સહિત અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ભાગળ ગામમાં ચોક્કસ ગેંગ સક્રિય છે. આ એજ ગામછે, જ્યાંથી દેશ વિરોધી આતંકવાદી પ્રવૃતિઓ કરનારા પકડાય છે. આ લોકોને એમ છે કે, કોઈ લડવા વાળું જ નથી, પરંતુ તેઓ અમારો પરચો ભૂલી ગયા છે. અમે ક્ષત્રિયો છીએ, ગાયના ઘણ માટે માથા ઉતારેલા છે.

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અમે બંગડીઓ નથી પહેરી

વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ભાગળ ગામમાં અરાજક્તાનો માહોલ છે. આ બનાવ બન્યો, ત્યારે અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ યુવાનો અહીં પહોંચ્યા જ હતા. પોલીસ તંત્રએ પણ કડક કાર્યવાહી કરી છે અને સંડોવાયેલા તમામને જેલ ભેગા કરીને ચૌદમુ રતન દેખાયું છે.

ભાગળ ગામ ગુનાખોરી માટે પંકાયેલું છે. ગામમાં જાનવરો ખુલ્લેઆમ કાપવામાં આવે છે, તે બધુ બંધ થઈ જવું જોઈએ. હવે અમે ક્યારેય સહન નહીં કરીએ. હું આ વખતની હોળી અને દિવાળી પણ અહીં જ કરવાનો છું.

મર્યાદામાં અને કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો. બાકી હું એજ અલ્પેશ ઠાકોર છું. અમે બંગડીઓ નથી પહેરી. જો કોઈ અત્યાચાર કરશે અને ખોટી રીતે દબાવવાનો પ્રયાસ કરશે, તો પછી ત્રીજું નેત્ર ખોલીશ તો સહન નહીં કરી શકો. આથી જ આગેવાનોને કહું છું કે, સમાધાનકારી રસ્તો અપનાવો, નહીંતર આવનારા સમયમાં દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેજો.