Rajkot: રાજકોટ શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલી રોયલ હોટલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જેમાં પોલીસે ડમી ગ્રાહકને હોટલમાં મોકલીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ હોટલ મેનેજર સહિત બે જણાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.
રાજકોટ એ-ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળ આવેલી 'રોયલ હોટલ'માં બહારથી લલનાઓને બોલાવીને દેહ સુખ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે 2 હજાર રૂપિયા આપીને ડમી ગ્રાહકને હોટલમાં મોકલ્યો હતો.
હોટલના અલગ-અલગ રૂમમાંથી ત્રણ લલનાઓ મળી આવી
ડમી ગ્રાહકે હોટલમાં ડીલ ફાઈનલ કરવાનો મેસેજ મળતા જ પોલીસની ટીમે છાપો માર્યો હતો. આ સમયે હોટલ રોયલના કાઉન્ટર પર બેઠેલો મેનેજર ગમનસિંહ રાવત (32) સહિત ચોટીલાનો એક યુવક મળી આવ્યો હતો. જે બાદ હોટલના રૂમોમાં ચેકિંગ કરતાં અલગ-અલગ રૂમોમાંથી ત્રણ લલનાઓ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હોટલ રોયલમાં શરીર સુખ માણવા આવતા ગ્રાહકદીઠ 2 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જે પૈકી 1 હજાર રૂપિયા દેહ વ્યાપાર કરતી લલનાને આપવામાં આવતા હતા. પોલીસે સ્થળ પરથી મોબાઈલ અને રોકડ સહિત કુલ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે હિતેશ ઉર્ફે રાણો વાલાણી, જયપાલ ડડાણીયા, ગૌરવ અને બોદિયો નામના આરોપી ફરાર હોવાથી તેમની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
