સીમાંકન બિલની ચર્ચા વચ્ચે લોકસભામાં 97 સાંસદોની બેઠક વ્યવસ્થા બદલાઈ, હવે DMK અને NCP-SPના સાંસદો ઈન્ડિ બ્લોકથી અલગ બેસશે

સીમાંકન (Delimitation Bill) અને મહિલા અનામત બિલ પહેલા લોકસભામાં 97 સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. DMK અને NCP-SPના સાંસદો હવે ઈન્ડિ બ્લોકથી અલગ થઈ સત્તાધારી પક્ષની નજીક બેસશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Nov 2026 04:30 PM (IST)Updated: Sun, 29 Nov 2026 04:30 PM (IST)
national-news-97-mps-seating-arrangement-change-in-loksabha-for-delimitation-bill-parliament-special-session

National News: સીમાંકન બિલ (Delimitation Bill) અને મહિલા અનામત સાથે સંકળાયેલા બિલો પાસ કરાવવા માટે મોદી સરકારે બહુમતીનો જાદુઈ આંકડો હાંસલ કરી દીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક સમયે ઈન્ડિ ગઠબંધનમાં રહેલી અને મોદી સરકારની (Modi Government) નીતિઓનો વિરોધ કરી રહેલી કેટલીક પાર્ટીઓ પણ બિલને પોતાનો ટેકો આપવાનું એલાન કરી ચૂકી છે. એવામાં હવે આ બન્ને મહત્ત્વના બિલો પસાર કરાવવા માટે સરકારે બોલાવેલા વિશેષ સત્ર પહેલા 97 સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

લોકસભા સચિવાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સાંસદોને નવી બેઠકો ફાળવવામાં આવી છે. હવેથી DMKના 22 સાંસદો ઈન્ડિ બ્લોકના સાંસદોથી અલગ બેસશે. જણાવી દઈએ કે, તમિલનાડુની DMK પાર્ટીએ સીમાંકન અને મહિલા અનામત બિલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. 

NCP- શરદ પવારના સાંસદો પણ સત્તા પક્ષની સાથે બેસશે

નવી વ્યવસ્થા પ્રમાણે, DMKના 22 સાંસદો હવે સત્તાધારી સાંસદોની પાસે જ બેસવાના છે. આ સિવાય નેશનલ કોંગ્રેસ પાર્ટી શરદ પવાર (NCP-SP)ના 8 સાંસદો પણ સત્તાધારી સભ્યોની સાથે બેસવાના છે.

DMKના વરિષ્ઠ નેતા કનિમોઝીની બેઠક નંબર 435થી બદલીને 357 કરવામાં આવી છે. આવી જ રીતે NCP-SPના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેને બેઠક નંબર 434ની જગ્યાએ 358 ફાળવવામાં આવી છે. આ બન્ને નવી બેઠકો સત્તાધારી સાંસદોની એકદમ નજીક જ છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે DMKનો સાથ છોડીને TVK સાથે ગઠબંધનમાં સરકાર બનાવી દીધી હતી. જે બાદ DMK નેતા કનિમોઝીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને પાર્ટીની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી. જો કે હાલમાં કરવામાં આવેલો ફેરફાર સીમાંકન બિલ પર પાર્ટીઓના વલણને માનવામાં આવી રહ્યો છે, કારણ કે DMK અને NCP-SP બન્ને પાર્ટીઓએ બિલને સમર્થન કરવાની જાહેરાત કરી છે.