Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરે પગમાં ગોળી મારીને તેને પકડી લીધો છે. હાલ ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રાજસ્થાનના અશોકે પોલીસની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધાનેરા પોલીસે NDPSના ગુના સબબ રાજસ્થાનમાં રહેતા અશોક બિશ્નોઈ નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન અશોકને ભરૂચ લઈ જવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન આરોપી અશોકે જાપ્તામાં રહેલા પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરીને ગાડીના ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો. આ સમયે ફરજમાં રહેલા ધાનેરા PIએ સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જે ગોળી સીધી આરોપીના પગમાં વાગી હતી. જે બાદ પોલીસ જવાનોએ તાત્કાલિક આરોપીને કબજામાં લઈ લીધો હતો. હાલ તો આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
