Ambaji College Embezzlement Case: અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રૂ. 6.72 લાખના નાણાકીય ઉચાપત કેસમાં બનાસકાંઠા-પાલનપુરની વિશેષ એ.સી.બી. અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2008-09માં થયેલી આ ગેરરીતિ મામલે કોર્ટે તત્કાલીન પ્રિન્સિપાલ અને હેડ ક્લાર્કને દોષિત ઠેરવી પ્રત્યેકને સાત-સાત વર્ષની કેદ અને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હિસાબોના ઓડિટ બાદ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને લાંબી ન્યાયિક પ્રક્રિયાના અંતે આ સજા જાહેર કરવામાં આવી છે.
કોલેજના હિસાબોમાં નાણાકીય ગેરરીતિ ખુલી
સમગ્ર ઘટનાની વિગતો મુજબ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના સને 2008-09ના નાણાકીય વર્ષના હિસાબોનું ઓડિટ દેવસ્થાન ટ્રસ્ટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિર્ક એચ.પી.સિંઘ એન્ડ કંપની, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓડિટ દરમિયાન કોલેજમાં ચાલતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર નાણાકીય અનિયમિતતા જણાઈ હતી. ત્યારબાદ કોલેજના હિસાબોની પુનઃચકાસણી કરાતાં નાણાકીય ગેરરીતિની વિગતો સામે આવી હતી.
રુ. 6 લાખથી વધુની રકમ ઉપાચત કરાઈ
અભ્યાસ કેન્દ્રના કમ્પ્યુટર વપરાશનાં નાણાં દેવસ્થાન ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવાના બદલે 'પ્રિન્સિપાલ, અંબાજી આર્ટ્સ કોલેજ, કુંભારિયા' ખાતેના નામે ખોલાવવામાં આવેલા ખાતામાં જુદા-જુદા ચેક દ્વારા કુલ રૂ. 6,72,424 જમા કરાવવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયે આ રકમ ઉપાડી અંગત ઉપયોગમાં લઈ નાણાંની ઉચાપત આચરી હતી.
અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
આ મામલે તત્કાલીન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વી.કે. વૈષ્ણવે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની જોગવાઈઓ મુજબ બનાસકાંઠા-પાલનપુરની અદાલતમાં સ્પેશિયલ એ.સી.બી. કેસ નં. 10/2012 અને 11/2012 દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં વિશેષ સરકારી વકીલ તરીકે બી.કે. આચાર્ય અને દેવસ્થાન ટ્રસ્ટના પેનલ વકીલ તરીકે યુ.બી. આચાર્ય નિયુક્ત થયા હતા, જેમણે સુનાવણી દરમિયાન સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને આધાર પુરાવાઓ સાથે સચોટ રજૂઆતો કરી હતી.
કોર્ટે પ્રિન્સિપાલ અને હેડ ક્લાર્કને દોષિત ઠેરવ્યા
વર્ષ 2008-09થી ચાલતા આ કેસમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા અને પુરાવાઓની ચકાસણી બાદ અમિત જે. કાનાણી, વિશેષ એ.સી.બી. તથા બીજા એડિશનલ જજ, બનાસકાંઠા-પાલનપુરે તા. 26/11/2026ના રોજ આખરી ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે સ્પેશિયલ એ.સી.બી. કેસ નં. 10/2012માં તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને કેસ નં. 11/2012માં તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયને દોષિત ઠરાવ્યા હતા.
નામદાર કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 235(2) હેઠળ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 12, 13(1)(સી) અને 13(2) મુજબના ગુનાઓ બદલ બંને દોષિતોને સાત વર્ષની કેદની સજા અને પ્રત્યેકને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ભરવામાં ન આવે તો બંનેને વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે
