Womens Asian Champions Trophy 2026: ભારતીય મહિલા હૉકી ટીમે શનિવારે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ભોપાલ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રમાયેલી ફાઈનલમાં ચીનને 3-1થી મ્હાત આપી છે.
ભારતે ચોથી વખત મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવીને રેકોર્ડ સર્જ્યો છે. આ સતત ત્રીજી વખત છે, જ્યારે ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હોય અને પોતાની ખિતાબી હેટ્રિક પુરી કરી હોય. આ સાથે જ ભારત આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ બની ચૂકી છે. ભારતે 2016, 2023, 2024 અને 2026માં ખિતાબ પોતાના નામે કર્યો છે.
હાફ ટાઈમ સુધી ચીનને બઢત બાદ ભારતની શાનદાર વાપસી
ભારત અને ચીન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ મહેમાન ટીમે પ્રથમ હાફમાં પોતાની પક્કડ મજબૂત બનાવી દીધી હતી. ચેન યુઝૂને 25મી મિનિટમાં ગોલ કરીને ચીનને 1-0થી બઢત અપાવી હતી. ચીને પોતાની આક્રામક રમત જાળવી રાખતા ભારતને હાફ ટાઈમ સુધી બેકફૂટ પર રાખ્યું હતુ.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. દીપિકા સહરાવતે બે ગોલ, જ્યારે નવનીત કૌરે એક ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો હતો. આ સાથે જ ભારતીય ટીમે ચીનના જીતની આશા પર પાણી ફેરવી દીધુ.
