Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બનીને કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નારણપુરા વિસ્તારમાં રાતના સમયે કેટલાક શખ્સોએ તોડફોડ કરી હતી. તલવાર જેવાં તિક્ષ્ણ હથિયારો લઈને આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાહેરમાં દારુ પીતા રોકતાં સમગ્ર વિવાદ સર્જાયો હતો. આથી અસામાજિક તત્વોએ ભેગા મળીને તોફાન મચાવ્યું હતું. તેમજ વિસ્તારના લોકો પર જીવલેણ હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
દારુ પીવાની ના પાડતાં વિવાદ સર્જાયો
મળતી વિગત અનુસાર, નારણપુરા વિસ્તારમાં હેમાંગ પટેલ નામના વ્યક્તિની ઘરની પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં દારુ પાર્ટી કરી રહ્યા હતા. તે દરમિયાન ઘરમાં લોકો હોવાથી પીડિતે આરોપીઓને દારુ પીવાની ના પાડી હતી. તે દરમિયાન વિસ્તારના અન્ય લોકો પણ ભેગા થઈ જતાં આરોપીઓ ચૂપચાપ સ્થળ છોડીને જતાં રહ્યા હતા. પરંતુ આ વાતને મનમાં રાખીને આરોપીઓ પરત ફર્યા હતા.
20થી વધુ લોકોના ટોળાએ કર્યો હુમલો
અદાવત રાખીને અંદાજે 20થી વધુ શખ્સો હાથમાં તલવાર અને છરી જેવા ઘાતકી હથિયાર લઈને નારણપુરા વિસ્તારમાં આવ્યા હતા. અને પીડિતના ઘરની બહાર ઉભા રહીને બેફામ ગાળો ભાંડીને જીવલેણ હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં અસમાજિક તત્વોના ટોળાને જોઈને લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને લોકો ઘરમાં જતાં રહ્યા હતા.
ગુંડાઓએ સ્થાનિકો પર જીવલેણ હુમલો કરીને એટલેથી ન અટકતાં વાહનોમાં પણ મોટી તોડફોડ કરી હતી. લોકોની કારના કાચ તોડી નાખ્યા હતા ઉપરાંત લોકોને ધમકી આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર નારણપુરામાં લોકો ભયભીત થઈ ગયા છે.
પોલીસ કાર્યવાહી શરુ કરવામાં આવી
જ્યારે ઘટના અંગે સ્થાનિકોએ નારણપુરા પોલીસને જાણ કરી તો આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને જ્યારે જાણ થઈ તો તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ લઈને ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
