અમદાવાદમાં ઘરેથી નીકળતા પહેલા જાણી લોઃ રિવરફ્રન્ટ અને સારંગપુરમાં વાહન વ્યહાર બંધ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં સુચારુ વાહન વ્યવહાર અને સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત અદાણી મેરેથોનના કારણે રિવરફ્રન્ટ બંધ રહેશે, સારંગપુર બ્રિજના નિર્માણ અને નરોડામાં નો-પાર્કિંગ ઝોનના કારણે પણ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Nov 2026 11:24 PM (IST)Updated: Sat, 28 Nov 2026 11:24 PM (IST)
ahmedabad-traffic-advisory-sabarmati-riverfront-and-sarangpur-bridge-closed-check-alternate-routes

Ahmedabad Traffic Advisory: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સુચારુ વાહન વ્યવહાર, નાગરિકોની સુરક્ષા અને માર્ગ અકસ્માતો અટકાવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવા, ડાયવર્ઝન આપવા તેમજ નો-પાર્કિંગ ઝોન અમલી બનાવવા અંગે મહત્વપૂર્ણ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે.

અદાણી મેરાથોનના પગલે રિવરફ્રન્ટ બંધ રહશે, વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે

અમદાવાદના લોકોમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગરૂકતા લાવવા માટે યોજાનાર 'Adani Ahmedabad Marathon-2026'ના આયોજનને પગલે સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ તેમજ પશ્ચિમ) અને આસપાસના માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ક્યા રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રહેશેઃ

  • વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ થઈ પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ પર આંબેડકર બ્રિજથી જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તા સુધીનો માર્ગ
  • વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ થઈ કાર્ગો મોટર્સ ત્રણ રસ્તાથી નવા ડીપી રોડ થઈ રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા સુધીનો માર્ગ
  • શિલાલેખ ચાર રસ્તાથી પિકનિક હાઉસ પૂર્વ રિવરફ્રન્ટ રોડ થઈ દફનાળા ચાર રસ્તા તથા આંબેડકર બ્રિજ નીચે ધોબીઘાટ સુધીનો પૂર્વ રિવરફ્રન્ટ રોડ
  • ધોબીઘાટ (પૂર્વ રિવરફ્રન્ટ) થી કાછી વિશ્વનાથ મંદિર થઈ રમેશફાર્મ સુધીનો માર્ગ
  • આંબેડકર બ્રિજના પશ્ચિમ છેડાથી વાસ કે. ફેક્ટર સુધીનો એક તરફનો માર્ગ વન-વે તરીકે બંધ રહેશે

આ દરમિયાન વાહનચાલકો વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ, ટાઉનહોલ થઈ અંજલી/મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જઈ શકશે. આ ઉપરાંત શિલાલેખ ચાર રસ્તાથી શાહીબાગ અંડરપાસ, દિલ્હી દરવાજા, મિરઝાપુર કોર્ટ રોડ, વિક્ટોરીયા ગાર્ડન, જમાલપુર દરવાજા થઈ દાણીલીમડા અને નારોલ તરફ વાહનોની અવર-જવર કરી શકાશે.

આજે રાતે 12 થી બપોરે 12 વાગ્યા સુધી અમલી આ જાહેરનામામાં સમયગાળા દરમિયાન આકસ્મિક વાહનોને જેમ કે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ફરજ પરના સરકારી વાહનો અને આકસ્મિક સંજોગો વાળા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સારંગપુર બ્રિજ તોડી નવો બનાવવા માટે 200 મીટરનો માર્ગ બંધ

અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડીને તેની જગ્યાએ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે સારંગપુર બ્રિજના બંને છેડાથી આશરે 200 મીટર જેટલી લંબાઈ ધરાવતો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

આ દરમિયાન વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. જેમાં ગીતામંદિર અને ગાંધી રોડ તરફથી આવતો ટ્રાફિક કાલુપુર પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, અંકુપમ/અંબિકા બ્રિજ, એપરલ પાર્ક થઈ અનુપમ સિનેમા તરફ જઈ શકશે

ગીતામંદિરથી કાલુપુર સર્કલ જવા માટે રેલવે સ્ટેશન સામેના એક તરફના ચાલુ માર્ગનો ઉપયોગ કરી શકાશે. રખિયાલ અને ઓઢવ તરફથી આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તા, ન્યુ કોટન ચાર રસ્તા, અનુપમ સિનેમા થઈ ગીતામંદિર તરફ અથવા કામદાર મેદાન, ચારતોડા કબરસ્તાન, સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ તરફ ડાયવર્ટ કરાયો છે. આ જાહેરનામું આગામી 31 જુલાઈ, 2027 સુધી અમલી રહેશે.

નરોડા વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધી 250 મીટર માર્ગ ‘નો-પાર્કિંગ ઝોન’

નરોડા વ્યાસવાડીથી હરીદર્શન રોડ પર 6 સ્કૂલો આવેલી છે, જ્યાં જાહેર રોડ પર વાહનોના પાર્કિંગને કારણે ભારે ટ્રાફિક અને માર્ગ અકસ્માતોની સમસ્યાઓ સર્જાતી હતી. આથી વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધીના 250 મીટરના વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું આજે રાતે 12 વાગ્યાથી જ અમલી થઈ જશે.