જામનગર પોલીસ પર હુમલાના આરોપીનું લીંબડી હાઈવે નજીક એન્કાઉન્ટર, સ્વબચાવમાં પોલીસનું ફાયરિંગ

મધ્યપ્રદેશથી ઝડપાયેલા ગાંજાના આરોપી ઠાકોર કલમ ડામોરે લીંબડી હાઈવે નજીક પોલીસની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં ફાયરિંગ થયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 07:46 AM (IST)Updated: Sun, 29 Nov 2026 07:46 AM (IST)
jamnagar-police-attack-accused-encounter-limbdi-highway-police-firing-self-defense

Jamnagar News: ગુજરાતમાં નાર્કોટિક્સ નેટવર્ક અને પોલીસ કર્મચારીઓ પર હુમલા કરનારા તત્વો સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. જામનગર એન્ટી નાર્કોટિક્સ સેલના જવાનો પર હુમલો કરી ફરાર થયેલા ગાંજાના આરોપી ઠાકોર કલમ ડામોરને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા બાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે નજીક બનેલી ફાયરિંગની ઘટનાએ કાયદા-વ્યવસ્થાની કડક સ્થિતિ સ્પષ્ટ કરી છે. ધાનેરા બાદ લીંબડી હાઈવે પર બનેલી આ ઘટના દર્શાવે છે કે પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરનાર કે હથિયાર ઝૂંટવવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે તંત્ર કોઈ ઢીલાશ રાખવાના મૂડમાં નથી.

લીંબડી હાઈવે પર શું બન્યું?

જામનગરના SP ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ DySP જયવીરસિંહ ઝાલા અને LCB PI વી. બી. ચૌધરીની ટીમ આરોપી ઠાકોર ડામોરને મધ્યપ્રદેશથી જામનગર લાવી રહી હતી. સુરેન્દ્રનગરના લીંબડી નજીક હાઈવે પર કુદરતી હાજતે પોલીસ કાફલાએ વાહન ઊભું રાખ્યું હતું. આ તકનો લાભ લઈ આરોપી ઠાકોર ડામોરે ભાગવાનો પ્રયાસ કર્યો અને ASI અરજણભાઈ કોડીયાતરની રિવોલ્વર ઝૂંટવી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતા પારખી PSI એમ. એમ. કુંભારવાડીયાએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં આરોપીને પગના ભાગે ઈજા થતાં તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને ફરી કાબૂમાં લઈ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

બાલાજી પાર્ક-3માં નાર્કોટિક્સ રેડ

આ સમગ્ર ઘટનાની શરૂઆત 22 નવેમ્બરના રોજ જામનગરના સી-ડિવિઝન વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક-3 ખાતે બનેલી ઘટના સાથે જોડાયેલી છે, એન્ટી નાર્કોટિક્સ સેલના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને હરવિજયસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઠાકોર કલમ ડામોર, ધર્મેન્દ્ર કલમ ડામોર, રાધા કલમ ડામોર અને મીરા સુનિલ બિલવા સિમેન્ટના કોથળા જેવા થેલા સાથે શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યા હતા.

ઓળખ આપી થેલાની તપાસ કરવાનું કહેતા ચારેય ઉશ્કેરાઈ ગયા હતા. મહિલા આરોપીઓએ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને પકડી રાખ્યા હોવાનું જણાવાય છે, જ્યારે ઠાકોર અને ધર્મેન્દ્રએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં દિવ્યરાજસિંહને માથા, કાન અને ખભામાં ગંભીર ઈજા તથા જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતુ.

જ્યારે હરવિજયસિંહને પણ માર મારવામાં આવ્યો હતો. ફરાર થયેલા આરોપીઓના થેલામાંથી રૂ. 2,36,250ની કિંમતનો 4 કિલો 725 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો કબજે કરી બે મહિલાની અટકાયત કરી હતી.

DIG નિર્લિપ્ત રાયની મુલાકાત

રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અચાનક જામનગર પહોંચ્યા હતા અને જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાના ખબર-અંતર પૂછી તેમની કામગીરીને બિરદાવી હતી.